ગુજરાતની પ્રજા હરવા ફરવાની શોખીન છે દેશના વિભિન્ન રાજ્યમાં ગુજરાતીઓ મુસાફરી કરતા નજરે ચઢતા હોય તે વાતથી કોઈ અજાણ નથી. ત્યારે ગુજરાતમાં પણ કેટલાક સ્થળો પર ગુજરાતીઓ મિત્રો કે પરિવાર સાથે રજાના દિવસોમાં હરવા ફરવા નીકળી પડતા હોય છે, અને રજાનો ઉલ્લાસભેર લાભ લેતા હોય છે.
પ્રકૃતિના ચારેય હાથ નર્મદા જિલ્લા પર હોય તેમ કેટલાય સ્થળો હરવા ફરવા લાયક છે જ્યાં વર્ષે હજારો પ્રવાસીઓની આવન જાવન રહેતી હોય છે. ત્યારે રાજપીપળા નેત્રંગ મોવી રોડ તરફ આવેલ અને કરજણ ડેમના પાણીના ઘેરાવાથી બનેલ તેમજ ચોમાસામાં સોળે કળાએ ખીલેલા રહેતાં એવા રળિયામણાં સ્થળ તરીકે વિખ્યાત થયેલ સ્થળ એટલે માંડણ.
કેટલાય કિલોમીટર દૂરથી પ્રવાસીઓ કુદરતી નજારાનો લુપ્ત ઉઠાવવા અને ભાગમદોડવાળા અતિ વ્યસ્ત સમયમાંથી સહ પરિવાર માંડણ મુસાફરો આવી પહોંચતા હોય છે. કુદરતી વાતાવરણની લોકો મજા માનતા હોય છે પણ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા તંત્ર કે નેતાઓને કોઈ રસ નથી તેમ લાગી રહ્યું છે. મુસાફરો માટે બાથરૂમની પણ અવ્યવસ્થા ઉભી થઈ છે.
ચોમાસામાં હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા હોય છે પણ કોઈ સગવડ ન મળતા મુસાફરોમાં તંત્ર સામે છૂપો રોષ ઉભો થયો છે. ત્યારે તંત્ર જાગૃત બને અને માંડણને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે તંત્ર નક્કર કામગીરી કરે તે જરૂરી છે.