નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિક નિરોગી અને સુખમય જીવન જીવે તે માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” ને અનુલક્ષીને “સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” ની થીમ સાથે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. “ફિટ ઇન્ડિયા” સૂત્રને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.
સાયક્લોથોન-૨૦૨૩ ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતાં ધારાસભ્ય ડો. દેશમુખે જણાવ્યું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનની આગેવાની હેઠળ “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” થકી પ્રજજનોના સુખાકારી માટે યોગા, સાયકલિંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં ધારાસભ્યએ નર્મદા જિલ્લાના યુવાનો પણ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સાયકલિંગને જીવનનો ભાગ બનાવે તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ નાગરિકોને નિશુલ્ક અને ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ છે, પરંતુ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉમદા આશય સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતના પટાંગણથી ડો. દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં પ્રસ્થાન પામેલી સાયક્લોથોન બે (૨) કિમી અને દસ (૧૦) કિમી એમ બે રાઈડમાં યોજાઈ હતી. બંને રાઈડની શરૂઆત નર્મદા જિલ્લા પંચાયત થઈને ગાંધીચોક, કલેક્ટર કચેરી, જકાતનાકા સરકિટ હાઉસ સુધી પહોંચી હતી. પ્રથમ રૂટની સાયકલ રેલીની પુર્ણાહુતી પરત જિલ્લા પંચાયત ખાતે થઈ હતી. પરંતુ ૧૦ કિમીની સફર સર કરતી બીજી રાઈડની સાયકલ રેલી જકાતનાકા સરકિટ હાઉસથી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર નવા વાઘપર સુધી જઈને જિલ્લા પંચાયત પરત ફરી હતી.
રાજપીપલા કન્યા વિનય મંદિર ખાતે ૧૭ વર્ષ શિક્ષક અને ૧૫ વર્ષ વાવડી હાઈસ્કુલ રાજપીપલા ખાતે આચાર્ય તરીકેની સેવા આપનાર ૮૦ વર્ષિય દેસાઈભાઈ પટેલ અને ખેતી સાથે સંકળાયેલા ૮૬ વર્ષિય મોતીભાઈ પટેલે રેલીમાં જોડાઈને નવયુવાઓ માટે ઊર્જાનું સિંચન કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેસાઈભાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને વડોદરા ખાતે યોજાયેલી ૫ કિમી દોડ પણ ઉત્સાહભેર ભાગ લઈ ચૂક્યાં છે. ખરેખર દેસાઈભાઈ જીવનની મજા માણવાનો ઉત્તમ સંદેશો લોકોને આપી રહ્યાં છે. તો બીજી તરફ સાયક્લોથોનમાં પોતાની ૧૦ વર્ષ જૂની સાયકલ સાથે સાયક્લોથોનમાં હિસ્સો લીધો હતો. જૂની સાયકલ હોવા છતા તેમની પ્રબળ ઇચ્છાશક્તિ ખરેખર નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહી હતી.
રાજપીપલા સિવિલ હોસ્પિટલના સેવાભાવિ તબીબ તરીકે ખ્યાતનામ અને દરરોજ ૨૦-૨૫ કિમીનું સાયક્લિંગ કરનાર ડો.રાજકુમાર ભગત પણ આ સાયક્લોથોનમાં જોડાયા હતા. ડો.રાજકુમારે શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે બાળકો-યુવાનોમાં સાયકલિંગને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા