નર્મદા જિલ્લામાં રેતમાફીયાઓ દ્વારા મોટા પાયે બેફામ ગેરકાયદેસર રેત ખનન ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરી પાછો રેતીનો મુદ્દો ઉઠાવી એમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત ફરિયાદ કરતા જણાવ્યું છે કે નર્મદા નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે. આ રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રેતી ખનનની ફરિયાદ કરતો એક પત્ર લખી જણાવ્યું છે કે, ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નર્મદા નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે. નારેશ્વરની નજીક લિલોડ ગામ થતાં ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવ્યા છે. આવા મોટા રેતીના પાળાને લીધે નદીનો પ્રવાહ રોકાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર નદીમાંથી 5 મીટર ઊંડાઈએથી રેતી કાઢવાની મંજુરી આપે છે. તે છતાં રેતી માફીયાઓ 25 થી 30 મીટર સુધી ખોદી રેતી કાઢે છે. રાત્રીના 11 થી 12 વાગ્યાની વચ્ચે રેતી લઈ જતી ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેતી માફીયાઓ રોયલ્ટીની ચોરીઓ પણ કરે છે. આ ગેરકાયદેસર રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓ પણ સંડોવાયેલા છે. આ તમામ મુદ્દે સરકાર ઊંડી તપાસ કરે અને રેતી ખનનની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ બંધ થાય એવી માંગ કરી છે.
રાજપીપલામાં પણ કરજણ ઓવારે આવેલ પુલ નીચે નદી કિનારેથી રેતી ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. જેને કારણે નદી પટમાં મોટા ખાડા પડી ગયા છે. ચોમાસામાં પાણી આવે ત્યારે આવા ખાડામાં ડૂબી જવાની ઘટના બની શકે છે. અહીં કરજણ નદીમાં પાણી ઓછું હોય છે ત્યારે અહીં પણ રેતી ખનન પ્રવૃતિઓ બંધ કરવાની પણ માંગ ઉઠી છે.
દીપક જગતાપ, રાજપીપલા