ભારતમાં મુંબઇ ખાતેના USA ના કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
માઇક હેન્કીએ આગમન થતા નાયબ કલેકટર ઉમેશ શુક્લ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ, અને આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે તેઓ દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી અધિક કલેકટર હિમાંશુ પરીખે માઇક હેન્કીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને મને આનંદ થયો, સરદાર પટેલ સાહેબ સાચા અર્થમાં હીરો છે, નાતિ-જાતી અને ધર્મના ભેદભાવ વિના સમગ્ર ભારતને એકતાંતણે બાંધનાર સરદાર સાહેબને મારા વંદન. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતની લોકશાહી અને ઇતિહાસને જાણવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે તેમ હેન્કીએ વધુમાં જણાવ્યું હતુ.
દીપક જગતાપ, રાજપીપલા