સામાન્ય રીતે સ્ટ્રોબેરીનો પાક મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં સરસ રીતે થાય છે જયારે ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્ન વિપરિત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે જમીન અને ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતરમાનાં સ્ટ્રોબેરીના છોડ નાશ પામે છે. તેવા વાતાવરણમા નર્મદા જિલ્લામા ભાગ્યે જ સ્ટ્રોબેરીની ખેતી અને પાક ઉત્પાદન જોવા મળે છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોબેરીની ખેતીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
હાલ આ યોજના હેઠળ નર્મદાના ગ્રામ્ય ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપતા ખેડૂતોએ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. જેમાં ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામે વીરસીંગભાઈ એ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું છે. તૈયાર સ્ટ્રોબેરીના ફળ ઘર આંગણે બાળકો ચાખતા થયાં છે.
આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કે સ્ટ્રોબેરીમા વિટામિન સી પુષ્કળ માત્રામા મળી શકે છે. એ ઉપરાંત વિટામિન કે પણ મળે છે. સાથે સાથે સ્ટ્રોબેરીમા કેલ્શિયમ, પોટેશીયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ છે ત્યારે પોષકતત્વો અને વિટામિનથી ભરપૂર વિટામિન એ થી ભરપૂર એવા પોષણયુક્ત ફળો નર્મદાના બાળકોમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ઉપયોગી બનશે.
આ અંગે વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષી તિવારીએ જણાવ્યું હતું. ગુજરાતમા પણ સ્ટ્રોબેરીની શક્યતાઓ ખુબજ સારી રહેલી છે.એ સારા પરિણામો મેળવવા ઠન્ડુ વાતાવરણ હોવું જોઈએ. એની સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે એક નીકરા યોજના ચાલુ છે.આ યોજના હેઠળ નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપ્યા છે. જેથી અહીંના ખેડૂતો પણ સ્ટ્રોબેરી પોતાના વિસ્તારોમાં કરી શકેઆવક મેળવીને આત્મનિર્ભર બની શકે અને ઘર આંગણે સ્ટ્રોબેરીનો સ્વાદ માણી શકે.
આ અંગે આદિવાસી ખેડૂત વીરસીંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાનું માર્ગદર્શન અને પ્લાન્ટ મળતાં મેં મારા ગામમા સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે એક છોડ પર બે કિલો જેટલી સ્ટ્રોબેરી ઉતરે છે બજારમાં સ્ટ્રોબેરીનો કિલોના 200 રૂ. સારો ભાવ પણ મળે છે. કેવીકે ના માર્ગદર્શનથી રાજપીપલાના વિજ્ઞાન લેખક અને જાણીતા પત્રકાર દીપક જગતાપે પણ પોતાના ટેરેસ ગાર્ડનમાં સફળ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે ત્યા પણ સરસ સ્ટ્રોબેરી થાય છે.
આમ નર્મદા જિલ્લામા પણ પ્રગતિશીલ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થયાં છે. એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા કટીબધ્ધ છે. આમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાનો સ્ટ્રોબેરીનો નવતર પ્રયોગ નર્મદા જિલ્લામા સફળ થયો છે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માએ સૌ ખેડૂતોને પોતાના ખેતર વાડામા સ્ટ્રોબેરી નું વાવેતર કરવા અનુરોધ કર્યો છે. આ અંગે ખેડૂતમિત્રોને જરૂરી માર્ગદર્શન આપવાની પણ ખાત્રી આપી છે.
દીપક જગતાપ, રાજપીપલા