એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ચાર આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સને જિલ્લા કલેકટર કચેરીએથી રવાના કરાઈ હતી.
ભારતના વિદેશ મંત્રી અને સાંસદ ડો. એસ. જયશંકરના ભંડોળમાંથી રૂપિયા ૩૭.૯૭/- લાખના અનુંદાનમાંથી વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૧-૨૨ માં ત્રણ એમ્બ્યુલન્સ મંજુર થતા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા, નવા વાઘપુરા અને જેતપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) – બેંગલુરુ દ્વારા રૂપિયા ૧૨.૬૬/- લાખ CSR એક્ટિવિટી અંતર્ગત ફંડ ફાળવતા અત્રેના સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ગરુડેશ્વર માટે એક એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી. જેનું આજરોજ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતા અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવના હસ્તે લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી અધીક્ષક ગરુડેશ્વર અને તાલુકા આરોગ્ય અધિકારી ગરુડેશ્વરને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
દીપક જગતાપ, રાજપીપલા