વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સુસજ્જ છે, ત્યારે તા.૨૩ મીના રોજ બુધવારે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં વયોવૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે દેડિયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારમાં વયોવૃદ્ધ મતદાતાઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં માન્ય ઠરેલા ૭૩ મતદાતાઓ પૈકી ૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ મળીને ૧૧૩ નોંધાયેલા વયોવૃદ્ધ મતદાતા પૈકી ૯૮ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોની કુલ ૧૨ જેટલી ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. બંન્ને મતદાર વિસ્તારોમાં યોજાયેલી પોસ્ટલ બેલેટની કામગીરીનું મોનીટરિંગ ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણીની રાહબરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ.વી. વિરોલા અને પ્રતિક સંગાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને સતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી મતદાનની સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા