તાજેતરમાં માંગરોળ ગામેથી એકસાથે બે દીપડા રેસ્કયૂ કરાયાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ વધુ એક દીપડાનાં આતંકની માહિતી સામે આવી છે. તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડો ઘુસી આવતાગામ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેમાં રોઝાનાર ગામે રહેણાંક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી અઢી વર્ષની પાડીનું દીપડાએ શિકાર કરતા ભાગદોડ મચી જવા પામી છે. બે દિવસ અગાવ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કર્યો હતો અને ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડીને શિકાર બનાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
જેમાં રોઝાનાર ગામેં રહેતા ભયલાલ મગનભાઈ બારીયાના જણાવ્યા અનુસાર તેઓ રાબેતા મુજબ ઘર નજીક અઢી વર્ષની પાડી બાંધી હતી અને રાત્રીના અંદાજિત 3 વાગ્યાના સુમારે અચાનક દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડીનું મારણ કરી ફાડી ખાધી હોવાનું જણાવ્યું હતું. ગામ લોકોએ
વન વિભાગને વહેલી તકે પાંજરું મૂકીને દીપડા ઝડપી પાડવાની માંગ કરી હતી, વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે તિલકવાડા કેવડિયા રેન્જના આરએફઓ વિક્રમસિંહ ગભાણીયાએ જણાવ્યું હતું કે તિલકવાડામાં ઊંડા કોતરોનો ગહન વિસ્તાર છે જેમાં દિવસે કોતરોમાં જતા પણ લોકો ગભરાય છે. રહીશોના રહેણાંકો કોતર નજીક હોવાથી કોતરમાંથી દીપડા ઉપર ચઢી આવીને ગામમા ખોરાકની શોધમાં ઘુસી આવે છે અને લોકોના ઢોરને ફાડી ખાય છે. કોતરો સુધી પિંજરા લઈ જવા લાવવાનું મુશ્કેલ હોય છે. જોકે વન્ય પ્રાણીઓ રહીશોના પાલતુ પ્રાણીઓનો શિકાર કરે ત્યારે નુકશાનીના વળતર પેટે વન વિભાગ દ્વારા વળતર આપવામાં આવે છે. વધુમાં આરએફઓ વિક્રમસિંહ ગભાણીયાએ જણાવ્યું હતું કે મેં 10 જેટલાં દીપડાઓ રેસ્કયૂ કરેલ છે. અત્યાર સુધીમાં મારી રેન્જ દ્વારા 20 થી 25 લાખનું વળતર આપવામાં આવ્યું છે. બકરુ મરે તો 500/-, પાડાના,5000/-, મોટા પ્રાણી હોય તો 16000/-, ગાય ભેંસ મરે તો 50,000/-અને માનવ જાનહાની થાય તો 5 લાખ સુધીનું વળતર ચૂકવાય છે.
દીપક જગતાપ, રાજપીપલા