આજે નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એક સાથે બે દીપડા રેસ્ક્યુ કરાયા હતા. ઘણા દિવસથી દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા અને અહીં દીપડો ગમે ત્યારે આવી પ્રાણીઓનો શિકાર કરતો હતો. જેને કારણે ગ્રામજનોમાં ભારે ફકડાટ ફેલાયો હતો. આ અંગે ગોરા રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ઘરિયાને જાણ કરતા તેમણે તેમની ફોરેસ્ટની ટીમે બકરાનું મારણ મૂકી પીંજરુ મૂક્યું હતું અને જે અનુસંધાને મોડી રાત્રે ઠંડીમાં બકરાનો અવાજ આવતા એક દિપડો અંદર પ્રવેશ્યો હતો ત્યાર બાદ બીજો દીપડો પણ પીંજરામાં પ્રવેશ કરતા પુરાઈ ગયો હતો. આમ પીંજરામાં એક સાથે બે દીપડાઓ પૂરાયા હતા. આર એફ વિરેન્દ્રસિંહ ઘરિયાએ જણાવ્યું હતું કે એક સાથે બે દીપડા રેસ્ક્યુ કરવાની આ પ્રથમ ઘટના છે. તેની મેડિકલ ચકાસણી બાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવશે. એકસાથે બે દીપડાઓ પકડતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
દીપક જગતાપ રાજપીપલા