નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે રાજપીપલા કલેક્ટરાલયના ભોંયતળીયે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટરની મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યુઝ ચેનલોની સતત મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યુઝ સંદર્ભે પણ મોનીટરીંગની કામગીરી ઉક્ત સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો / ટેલીવિઝન/પ્રિન્ટ મિડિયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે રાજ્ય અને જિલ્લાકક્ષાએ કાર્યરત ઉક્ત સમિતિઓ પૈકી સંબંધિત સમિતિઓ પાસેથી નિયત સમયમર્યાદામાં મંજૂરી મેળવવાની હોય છે. નર્મદા જિલ્લાના મિડિયા સેન્ટરના નોડલ અધિકારી, મિડિયા મોનીટરીંગ એન્ડ મિડિયા સર્ટીફિકેશન-MCMC નાં સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાને EMMC-MCMC ની કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત મિડિયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતોથી તેવતિયાને વાકેફ કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાની ઉક્ત મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર અને સ્ટાફ ડેટા બેઝ તથા કાયદો-વ્યવસ્થાના નોડલ અધિકારી સી.એ.ગાંધી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલે પણ સાથે જોડાઇને ઉક્ત સેન્ટરની કામગીરી નિહાળી હતી. આ પ્રસંગે માહિતી પરિવારના ઉર્મિલાબેન માહલા, દિલીપ વસાવા, રોશન સાવંત, દિપકભાઇ વસાવા, યુજેન્દ્રસિંહ કઠવાડીયા, પ્રકાશ ભૈયા, પ્રમોદ વલવી, ગૌરવ નાઇ સહિતનાં અધિકારીઓ/કર્મચારીઓ તરફથી મિડિયા સેન્ટરને લગતી રોજબરોજની અખબારોની સ્ક્રિનીંગ અને તે સંદર્ભમાં સંબંધિતોને પહોંચાડવામાં આવતી પ્રેસ ક્લિપીંગ્સ સહિત સ્થાનિક કેબલ નેટવર્ક અને ન્યુઝ ચેનલોની મોનીટરીંગની કામગીરી અંગે પણ મિડીયા નોડલ અધિકારી યાકુબ ગાદીવાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાને વાકેફ કર્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા