નાંદોદ વિધાનસભાની બેઠક પર હવે અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી, બીટીપી અને અપક્ષ એમ કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના દર્શનાબેન દેશમુખ, કોંગ્રેસના હરેશ વસાવા, આમ આદમી પાર્ટીના મહેશ વસાવા, બીટીપીના પ્રફુલ વસાવા, અને ભાજપના જ બળવો કરનાર અપક્ષ ઉમેદવારી કરનાર અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા વચ્ચે જંગ ખેલાશે.
આમ તો નાંદોદ બેઠક ઉપર સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખેલાવાનો છે. પણ ભાજપના પૂર્વ સંસદીય સચીવ અને ધારાસભ્ય રહી ચૂકેલા એવા મજબૂત ઉમેદવાર હર્ષદ વસાવાને ભાજપની ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપ વર્સીસ ભાજપની લડાઈ કેવી જામશે તે પણ હવે જોવું રહ્યું. બીજી તરફ સામે કોંગ્રેસના મજબૂત યુવા ઉમેદવાર હરેશ વસાવાની ટક્કર સીધી ભાજપ સાથે રહેશે. જ્યારે લોકોમાં પ્રશ્ન એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે કોંગ્રેસની ટક્કર દર્શનાબેન સામે રહેશે કે હર્ષદ વસાવા સામે રહેશે એ હવે જોવું રહ્યું. જોકે હર્ષદ વસાવાને ગૃહ મંત્રીથી માંડીને અન્ય ભાજપના કાર્યકર્તાઓએ મનાવવાના ઘણા પ્રયાસો કરવા છતાં તેમણે સમર્થકોનું માન રાખીને ઉમેદવારી પાછી ખેંચી નથી. અને અપક્ષ તરીકે ચૂંટણી લડી લેવાનું નક્કી કર્યું છે.ત્યારે બે વાર ધારાસભ્ય, એક વાર સંસદીય સચિવ, અને રાષ્ટ્રીય કક્ષાએ આદિજાતિ મોર્ચાના હોદ્દેદાર રહી ચુક્યા છે ત્યારે ભાજપામાં પોતાનું મહત્વનું સ્થાન જમાવી ચુક્યા પછી તમામ હોદ્દાઓ સાથે પાર્ટી છોડી એકલા હાથે જંગ ખેલવાની હિંમત તો દાદ માંગી લેતેવી છે. જો હર્ષદ વસાવા ચૂંટણી જીતી જશે તો ભાજપાના રાજકારણમાં તેમનું રાજકીય કદ મોટુ થઈ જશે. પણ જો તેઓ હારી જશે તો કદાચ તેમની ભાજપાની મોટી રાજકીય કારકિર્દી પણ કાયમી પૂર્ણવિરામ મુકાઈ જશે. એ વાત હર્ષદ વસાવા પણ પોતે જાણતા હોઈ હર્ષદ વસાવા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા એડી ચોંટીનું જોર લગાવી દેશે. એ પણ એટલું જ નક્કી છે. તો હર્ષદ વસાવાને સમર્થન કરનારા ભારતીબેન તડવી સહીતના ભાજપા અન્ય કાર્યકર્તાની કારકિર્દી પણ જોખમમાં મુકાશે એ પણ એટલું જ નક્કી છે.બીજી તરફ દર્શનાબેન દેશમુખ શિક્ષિત ઉમેદવાર ચોક્કસ છે. રાજપીપલા ના વિસ્તારમા બુદ્ધિજીવીઓ માં તેમનું સારું એવું વર્ચસ્વ છે.
ત્યારે હવે હર્ષદ વસાવા ચૂંટણી મેદાનમાં પ્રચાર કાર્ય કરવામાં લાગી ગયા છે હર્ષદ વસાવાને કપ રકાબીનું નિશાન મળ્યું છે. ત્યારે મોદીને આ બેઠક અર્પણ કરવા ઈચ્છતા હર્ષદ વસાવા હવે ચાય પે ચર્ચા કરી પ્રચારના શ્રીગણેશાય કરી રહ્યા છે. હર્ષદ વસાવાની સાથે ભાજપના સિનિયર મહિલા અગ્રણી આગેવાન એવા ભારતીબેન તડવી પણ હર્ષદ વસાવા ના સમર્થનમાંજોડાયા છે. તો માજી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ હર્ષદ વસાવા ના સમર્થાનમાં દેખાયા છે. પૂર્વ નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, ભદામના અશોક પટેલ સહીત પાટીદાર જુના કાર્યકરો પણ હર્ષદ વસાવા ના સમર્થનમાં છે. ત્યારે એકલા હર્ષદ વસાવા દર્શનાબેન અને કોંગ્રેસની સામે કેવી ટક્કર લેશે એ તો સમય જ બતાવશે.પરંતુ તમામ પદો ઉપરથી રાજીનામું આપનાર હર્ષદ વસાવાની એટલે હાથે લડવાની હિંમત અને તાકાત ભાજપને ફફડાવી રહી છે. હર્ષદ વસાવાની ઉમેદવારી થી ભાજપને નુકસાન તો ચોક્કસ થશે.પણ એ નુકસાન કેટલું મોટું હશેએ હવે જોવું રહ્યું. જોકે ભાજપ વર્સિસ ભાજપની આ લડાઈથી ભાજપને નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી.દર્શનાબેન દેશમુખ બુદ્ધિજીવી અને વ્યવસાયે ડોક્ટર છે. એટલે શહેરી વિસ્તારમાં એમનું વર્ચસ્વ ચોક્કસ રહેશે. જ્યારે હર્ષદ વસાવાનું વર્ચસ્વ ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ રહેવાનું છે. ત્યારે ધૂળિયા ગામડા ખૂંદી વળતા હર્ષદ વસાવાનું પ્રચાર કાર્યમાં હર્ષદ વસાવાને પ્રજાનું કેટલું સમર્થન મળે છે એ હવે જોવું રહ્યું.
પરંતુ રાજપીપળા વિસ્તારના અનેક પ્રશ્નો તેમની સામે મોં ફાડીને ઉભા છે. જેવા કે ભૂગર્ભ ગટર યોજનાના ખોદાયેલા રસ્તાઓથી પરેશાન પ્રજા,ગેસ પાઇપ લાઇન હજુઘણા લોકોના ઘર સુધી પહોંચીજ નથી. કરજણ જળાશય યોજનાના પીવાનું શુદ્ધ પાણી આપવાનો ફેલ ગયેલો પ્રોજેકટ ફરી ચાલુ કરવાની વાત હવામાં રહી ગઈ છે. કરજણ ઓવારો ઘણા વર્ષોથી ખંડિતછે. એને હજી સુધી રીપેર કરવાની કોઈએ તસદી લીધી નથી. નગરમાં ગંદકી અને રખડતા ઢોરોનું સામ્રાજ્ય ઉપરાંત ખાસ કરીને રાજપીપળાની બંધ પડેલી રેલ્વે લાઈન ચાલુ કરવા વારંવાર રજૂઆતો છતાં ચાલુ થઈ નથી. રાજપીપળાને હજી સુધી નથી મળ્યો એરપોર્ટ, નથી મળી મેડિકલ કોલેજ કે નથી મળી ઈજનેરી કોલેજ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે વિસ્થાપિતોના અનેક પ્રશ્નો હજી પણ વણ ઉકેલ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓના વિસ્થાપીતોના રોજગારીના પ્રશ્નો સામે આદિવાસીઓને વારંવાર આંદોલન કરવું પડ્યું છે. આ પ્રશ્નોનું વર્ષોથી સમાધાન નથી. થતું ગ્રામ્ય અને ઊંડાણના અંતરિયાળ વિસ્તારોમાં હજી પણ કનેક્ટિવિટીનો મોટો પ્રશ્ન હાલ થયો નથી રાજપીપળા રામગઢને જોડતો પુલના તકલાદી કામો, તડકેશ્વર મન્દિરનું જળ સમાધિ, સ્મશાન જવાનો તૂટેલો રસ્તો નવો બનાવી શક્યા નથી. અપડાઉન કરતા ગામડાના વિદ્યાર્થીઓ પૂરતી અને સમયસર બસો ફાળવી શક્યા નથી એવા અનેક વણ ઉકેલ્યા પ્રશ્નાર્થો પ્રજાને સતાવી રહ્યા છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા બનાવેલા રસ્તાઓના તકલાદી કામોની પોલ વરસાદે ખોલી નાખી છે. એ ભ્રષ્ટાચાર પણ પ્રજાની સામે છે. ત્યારે આ બધા પ્રશ્નોનો સામનો કરવાનું દર્શનાબેન માટે અઘરું સાબિત થશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો આ પ્રશ્નો કેવી રીતે ઉકેલવો પડશેએ પણ ઉમેદવારો પ્રજાને કેવી ખાત્રી આપે છે એ પણ જરૂર જોશે. રાજપીપળાનો વિકાસ વર્ષોથી રૂધાઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરોડો નાણા ખર્ચાયા છતાં રાજપીપળા વિકાસથી વંચિત રહી ગયું છે. તેના પ્રત્યે કોઈ નેતાએ ધ્યાન જ આપ્યું નથી. જેને કારણે ગયા વખતે પણ ભાજપે નાંદોદની બેઠક ગુમાવી હતી. ત્યારે આ વખતે નાંદોદ બેઠક ભાજપ કેવી રીતે જાળવી શકશે એ હવે મતદારો નક્કી કરશે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવાના નામની ખૂબ પહેલી જ જાહેરાત કરી દેવાઈ હતી ત્યારે પ્રફુલ વસાવાએ ફોર્મમાં આવીને ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો હતો અને પોતે જ જીતશે એવો દાવો કરી રહ્યા હતા પરંતુ ઉમેદવારી પત્ર ભરવાના દિવસે એમની સાથે કેટલી પ્રજા અને પાર્ટીના કાર્યકરો સાથે હતા એ મતદારોએ જોઈ લીધું છે.
આપના ઉમેદવારે ઉમેદવારી ત્યારથી આમ આદમી પાર્ટીના સંગઠનના અને પાયાના કાર્યકરો નારાજ રહ્યા છે. જેના કારણે તેમને એકલા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પ્રજાનું સમર્થન તેમને કેટલું મળશે એ પણ હવે મતદારો જ નક્કી કરશે. તો બીજી બાજુ બીટીપીના ઉમેદવાર તરીકે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા મહેશ વસાવાની ટિકિટ ફાળવી છે તેઓ આમ સંગઠનના નેતા તરીકે ગ્રામ પંચાયતને દરજ્જો આપવાના પ્રશ્ને લડતા રહ્યા પરંતુ તેમને તેમાં સફળતા મળી નથી. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પર રહી ચૂક્યા છે પણ નગરના વિકાસ કરવામાં પણ ખાસ તેઓ સફળ રહ્યા નથી. ત્યારે આ ઉમેદવારને પ્રજાને કેટલું સમર્થન આપશે એ તો મતદારો જ નક્કી કરશે પણ આ ચિત્ર જોતા નાંદોદ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા ખરીનો જંગ જામશે એ નક્કી છે. મતદારો હવે પસંદગીનો કળશ કોના પર ધોળશે એ હવે જોવું રહ્યું.
દીપક જગતાપ, રાજપીપળા