ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી વધારવાની સાથોસાથ નર્મદા જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરિત થાય તેવા શુભ આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સ્વીપ એક્ટિવિટી અને અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧૬ મીના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત સમાજનો પ્રત્યેક નાગરિક આ લોકશાહીના પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી મતદાન કરે તેવા ઉમદા આશય સાથે મતદાન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલે આ અવસરે કોલેજના વિધાર્થીઓને મતદાન અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશના પ્રત્યેક નાગરિકે પોતાની ફરજ અને જવાબદારી સમજીને મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવી જરૂરી છે. આ પ્રસંગે કાર્યક્રમમાં એન.એસ.એસ. (NSS)ના પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ વસાવા, એન.એસ.એસ.ના સ્વયંસેવકો સહિત કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી મતદાર તરીકે લોકોમાં મહત્તમ જાગૃતિ લાવવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.
દીપક જગતાપ, રાજપીપલા