નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમી આયોજનના ભાગરૂપે ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીની રાહબરી હેઠળ સરકારી હાઈસ્કલ રાજપીપલા ખાતે યોજાયેલા દ્વિ-દિવસીય તાલીમનો શનિવારથી પ્રારંભ કરાયો હતો. ચાર બેચમાં યોજાયેલા આ તાલીમ વર્ગમાં ૪૧૬ પ્રિસાઈડિંગ ઓફિસર, ૩૯૫-આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, ૭૬-પુરૂષ પોલિંગ ઓફિસર અને ૭૦૦-મહિલા પોલિંગ ઓફિસર સહિત કુલ-૧૫૮૭ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને આ તાલીમ હેઠળ આવરી લેવાયા છે.
રાજપીપલા ખાતે ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી, નાંદોદના મામલતદાર પી.એલ.ડીંડોર, ગરૂડેશ્વરના મામલતદાર એમ.બી.ભોઇ અને તિલકવાડાના મામલતદાર પ્રતિક સંગાડાની ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ રાજપીપલા ખાતે જુદા જુદા ૭ જેટલા વર્ગખંડમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.
પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની બાબતો ઉપરાંત મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું. આ તાલીમમાં શિક્ષણ નિભાગના માસ્ટર ટ્રેનર એ.આર.શાહુની રાહબરી હેઠળ ૨૪ જેટલા માસ્ટર ટ્રેનર્સ આ તાલીમ વર્ગોમાં તેમની સેવાઓ આપી રહ્યાં છે.
દીપક જગતાપ, રાજપીપલા