ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાજકીય કરવામાં આવી ગયો છે. નર્મદા જિલ્લામાં વિધાનસભાની બે બેઠકો છે જેમાં નાંદોદ અને ડેડીયાપાડાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ નાંદોદ અને દેડીયાપાડા બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. નાંદોદ બેઠક ઉપરઆમ આદમી પાર્ટીના પ્રફુલ વસાવા અને ડેડીયાપાડા બેઠક ઉપર ચતુર વસાવાના નામની જાહેરાત થઈ ચૂકી છે.જ્યારે હમણાં જ બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ બાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં નર્મદાની નાંદોદ બેઠક ઉપર મહેશ શરાધ વસાવાના નામની જાહેરાત કરી છે. ત્યારે ડેડીયાપાડા બેઠક ઉપર હજુ બીટીપીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. નાંદોદ બેઠક ઉપર બે ઉમેદવારોના નામ જાહેર થયા છે. જયારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. જે આજકાલમાં થાય તેવી શક્યતા છે.
બીજી તરફ ભાજપમાં ચૂંટણીની ટિકિટ માટે ધમાસણ થઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે. ડેડીયાપાડા અને નાંદોદ બેઠક ઉપર ટિકિટના દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે. પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણી ટાણે જાહેરાત કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સાંસદ, એમએલએના પરિવારજનોને ટિકિટ નહીં મળે. તેમજ ભાજપાનાં કોઈ પણ નેતાનાં સગાને પણ ટિકિટ નહીં મળે. એટલું જ નહીં 75 વર્ષની વયની ઉપરના ધારાસભ્યના સબંધીને પણ ટિકિટ નહીં મળે. એવી જાહેરાતથી નર્મદામાં મોટી આશા લઈને બેસેલા ટિકિટના દાવેદારો ફફડી ઊઠ્યા છે. ભાજપના નિયમો જોતા સાંસદ મનસુખ વસાવા અને તેમની દીકરી પ્રીતિ વસાવા એ નાંદોદ બેઠક ઉપર ટિકિટની માંગણી કરી હતી. પરંતુ આ નિયમ પછી તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ ઉપરાંત પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવાના સગામાં ગણી શકાય તો બે દાવેદારો છે તેમાં ડો. દર્શનાબેન દેશમુખ અને ડો. રવિ દેશમુખનું નામ પણ હવે નિયમ પ્રમાણે નામ લિસ્ટમાંથી કપાઈ ગયું છે.એજ પ્રમાણે પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાનાં શાળા કિરણ વસાવાનું નામ પણ નિયમ પ્રમાણે કપાઈ ગયું છે. ત્યારે હવે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્યહર્ષદ વસાવા, પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી, ભારતીબેન તડવી બાબુભાઈ તડવી, રાજુભાઈ વસાવા સહિતના નામો હવે ચર્ચામા છે ત્યારે હવે નાંદોદ બેઠક પર ભાજપના કયા ઉમેદવારને ટિકિટ મળશે તેની જોરશોરથી અટકળો વહેતી થઈ ગઈ છે. એ જ પ્રમાણે ડેડીયાપાડા બેઠક ઉપર પણ હજુ ભાજપે પોતાના ઉમેદવારનાં નામોની જાહેરાત કરી નથી. આ બેઠક પર મોટુ સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી રહેવાનું છે.ડેડીયાપાડા બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે.
ત્યારે અહીં પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાનું નામ ઉપરાંત શંકરભાઈ વસાવાના નામો ચર્ચામાં છે. જોકે ડેડીયાપાડા બેઠક ઉપર ચતુષ્કોણ હોવાથી બીટીપી અને કોંગ્રેસના કયા ઉમેદવારો મેદાનમાં આવે છે તેની રાહ જોવાઈ રહી છે. આ બેઠક ઉપર બીટીપીના બે ફાડિયા પડી ગયા છે. બીટીપી માંથી રાજીનામું આપીને આવેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચતુર વસાવા ડેડીયાપાડાની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બીટીપીના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા હવે આ બેઠક પરથી ચૂંટણી લડશે કે કેમ કે પછી ઝઘડિયાની બેઠક પરથી ચૂંટણી લડશે એની અટકળો અટકળો શરૂ થઈ ગઈ છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે ડેડીયાપાડાની બેઠક પર બીટીપીના ઉમેદવાર તરીકે બહાદુર વસાવાનું નામ જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે મહેશ વસાવા ઝઘડિયાની બેઠક પરથી ચૂંટણી લડે તેવી પણ ચર્ચા થઈ રહી છે. હવે એ જોવું રહ્યું કે ડેડીયાપાડાની બેઠક પર બીટીપીના કયા ઉમેદવારને ટિકિટ મળે છે.
નાંદોદ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે એ મુદ્દો ચર્ચામા છે. સીટિંગ એમએલએ પી ડી વસાવાનું નામ સૌથી આગળ છે એ ઉપરાંત હરેશ વસાવા,જતીનભાઈ વસાવા, ભૂછાડ ગામનાં નિલેશભાઈ વસાવા, રણજીત તડવી, અંગિરાબેન તડવી, રાજુભાઈ ભીલ, મહેન્દ્રભાઈ ભીલ (કપુર), રમણભાઈ ભીમાભાઈ તડવી, મનીષ તડવી (ડેકાઈ)નાં નામો ચર્ચામા છે તો જ્યારે ડેડીયાપાડા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, સુરેશભાઈ વસાવા, જેરમાબેન વસાવા, પ્રભુભાઈ વસાવા, હરિસિંહ વસાવા (વકીલ), રાકેશભાઈ વસાવા (ડેડીયાપાડા), સાગબારાના પરેશભાઈ વસાવા, આનંદભાઈ વસાવાના બાયોડેટા પ્રદેશ કક્ષાએ પહોંચી ગયા છે.ત્યારે ટિકિટ કોને મળે તે હવે જોવું રહ્યું.
દીપક જગતાપ, રાજપીપલા