ગુજરાતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય અમૃત યાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતના 75 સાહિત્યકારોના નિવાસ સ્થાન પર જઈને સાહિત્યકારોનું સન્માન કરી ગુજરાતી સાહિત્યિક અસ્મિતાનું ગૌરવગાન કરવા આજે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે સાહિત્ય અમૃત યાત્રાનો રથ આવી પહોચતા સાહિત્ય રસીકો દ્વારા તેનું સ્વાગત કરાયું હતું. જેમાં રાજપીપળાના વતની અને ગુજરાતી સાહિત્યને ગૌરવ આપાવનાર જાણીતા સાહિત્યકાર અને નવલકથાકાર સ્વર્ગસ્થ પ્રિયકાન્ત પરીખ, હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડો.સુરેન્દ્ર કે દોશી સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુ ના નિવાસ સ્થાને સાહિત્ય અમૃત યાત્રાનો રથ પહોંચ્યો હતો અને ત્રણેનું ગુજરાતી સાહિત્યિક અસ્મિતાનું ગૌરવગાન કરાયું હતું. ત્રણેના નિવાસ સ્થાને સાહિત્ય અમૃત યાત્રાનો રથ પહોંચ્યો હતો અને રાજપીપળાના સાહિત્યકારોએ પુષ્પાંજલિ અને કાવ્યપઠન કરી સાહિત્યકારોને યાદ કર્યા હતા.
જેમાં સૌપ્રથમ લાલ ટાવર સિંધીવાડ ખાતે આવેલા સૂફી સંત કવિ સતારશા બાપુના નિવાસ્થાને તેમનું ગૌરવ ગાન ગવાયું હતું, આ પ્રસંગે રાજપીપળાના સાહિત્યકારો સર્વશ્રી દીપક જગતાપ, પ્રો. હિતેશ ગાંધી ડો. અશોક શાહ, ઉમેશ કુમાવત અને ભાવિકાબેન પટેલની ઉપસ્થિતિમાં કવિ સતારશા બાપુના પરિવારજનો અબ્દુલ ગફારખાન પઠાણ, મુન્નાભાઈ તેમજ નાશીહાબેન પઠાણ પરિવારજનોનું તથા કવિ સતારશા બાપુનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમના પરિવાર વતી અબ્દુલ ગફાર ખાન પથાણે સત્તારશા બાપુના જીવન અને કવન વિશે માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્મનું સફળ સંચાલન કરનાર સાહિત્યકાર દીપક જગતાપે ગુજરાતી સાહિત્ય અકાદમીનો અનેઆ કાર્યક્રમના સંકલનકાર દર્શનાબેન વ્યાસનો સુપેરે પરિચય કરાવ્યો હતો. દીપક જગતાપે સત્તાર શા બાપુ અને પ્રિયકાન્ત પરીખનો તથા ડૉ. અશોક શાહે ડૉ સુરેન્દ્ર દોશીનો પરિચય આપ્યો હતો. ત્રણેના નિવાસસ્થાને જઈ સાહિત્યકારોની તસવીરોને પુષ્પાંજલિ અર્પી હતી અને તેમની સ્મૃતિમા રાજપીપળાના સ્થાનિક સાહિત્યકાર કવિઓ સર્વશ્રી દીપક જગતાપ, પ્રો. હિતેશ ગાંધી ડો. અશોક શાહ, ઉમેશ કુમાવત અને ભાવિકાબેન પટેલની ઉપસ્થિતિમાં કવિએ પોતાની કાવ્યરચનાનું પઠન કર્યું હતું.
દીપક જગતાપ, રાજપીપળા