રાજપીપળા સહિત સહીત નર્મદા જિલ્લામાં HIV એઈડ્સ માટેની કામગીરી કરતી એક પણ સંસ્થા નથી ત્યારે અગાઉ ચાલતી એક સંસ્થાની કચેરી અન્ય જિલ્લામાં ખસેડાતા નર્મદાના દર્દીઓ અટવાય રહ્યા છે.
રાજપીપલા:ગુજરાત સરકાર HIV એઈડ્સના દર્દીઓ માટે લાખો રૂપિયાના ધુમાડા કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના દર્દીઓ સાથે જાણે ઓરમાયું વર્તન કરાતુ હોય એમ સરકારની ગ્રાન્ટ પર ચાલતી એક NGOની કચેરી રાજપીપલાથી હટાવી અન્ય જિલ્લામાં લઈ જતા નર્મદા જિલ્લાના અભણ ગરીબ દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે જેમાં અમુક દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આમ તો ગુજરાત રાજ્યની સિવિલ હોસ્પિટલમાં ચાલતા કેન્દ્રમાં જરૂરી તપાસ અને જાણકારી મળે છે.પરંતુ મોટા ભાગના ગરીબ દર્દીઓ કે જે ખેત મજૂરી કરી પરિવારનુંં ગુજરાન ચલાવતા હોય એવા દર્દીઓ પૈસાના અભાવે રાજપીપલા કે વડોદરા જતા નથી જેના કારણે એ દર્દીઓને જરૂરી જાણકારી મળતી નથી,સાથે સાથે જીવનપર્યંત લેવાની દવા પણ વડોદરા લેવા જવાના વાંકે અધવચ્ચે બંધ કરી દેતા આવા દર્દીઓ અંતે મૃત્યુ પામતા હોય છે.ત્યારે હાલ નર્મદા જિલ્લામાં ૨૫૦ થી વધુ HIV ના દર્દીઓ છે. જેમાંથી અગાઉના વર્ષોમાં કેટલાકના મૃત્યુ પણ થયા હતા. ત્યારબાદ મૃત્યુ આંક નહિવત હતો.પરંતુ હાલ અમુક જાણકારી ના અભાવે નર્મદામાં દર્દીઓના ફરી મૃત્યુ થતા જોવા મળે છે.એ ગંભીર બાબત છે ત્યારે સરકારે આવા પછાત જિલ્લાઓમાં મોટા શહેરો કરતા વધુ તકેદારી રાખવી જોઈએ એવી માંગ ઉઠી છે.ગતરોજ નાંદોદ તાલુકાના એક ગામમાં HIV પીડિત એક મહિલાનુ મોત થયું હોવાના સમાચાર વહેતા થયા છે ત્યારે HIV પીડિત મહિલાના મૃત્યુ બાદ રાજપીપળા માંથી અન્ય જિલ્લામાં ખસેડાયેલી NGO ફરી કાર્યરત કરે છે કે કેમ એ જોવું રહ્યું.