રાજપીપલા, નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જનપ્રતિનિધિઓના પ્રજાકીય પ્રશ્નો અને રજૂઆતોનો વાજબી, ઝડપી અને સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ટ બનાવવા તેમજ આ અંગેના રજીસ્ટરની જરૂરી સુવ્યવસ્થિત નિભાવણી થાય તે જોવા અને જરૂર જણાય તો આવા કોઇ પ્રશ્ન કે રજુઆત સંદર્ભે સંબંધિત જનપ્રતિનિધિ ઓને વચગાળાનો પ્રત્યુત્તર પાઠવવાની સાથે તેની જાણ જિલ્લા કલેક્ટરાલયને કરવા “ટીમ નર્મદા”ને ખાસ અનુરોધ કર્યો છે. સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ , પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીઆ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એકબીજા સરકારી વિભાગો વચ્ચેનું સંકલન વધુ સુદ્રઢ બનાવવાની સાથે વિકાસકીય કામો સંદર્ભના ટેકનીકલ બાબતો જેવી અંતરાયો ઝડપથી દૂર થાય અને તેની સાથે જિલ્લાની વિકાસકૂચ વધુ વેગીલી બનાવવાની હિમાયત કરી હતી.જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જિલ્લાનાં ગામોમાં યોજાતી રાત્રી સભાઓમાં રજુ થતાં વિવિધ વિભાગોના પ્રશ્નો પૈકી તાત્કાલિક ઉકેલ થઇ શકે તેવા પ્રશ્નોનોનું સંબંધિત વિભાગોને સત્વરે યોગ્ય નિરાકરણ લાવવાની સુચના આપી હતી. હવે પછી દરમાસની સંકલન સમિતીની બેઠકમાં ગામની રાત્રી સભાઓમાં કરાયેલી રજૂઆતોની નિકાલ-પ્રગતિ સંદર્ભની કામગીરીની સમીક્ષા કરાશે તેવો પણ શ્રી કોઠારીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના તરફથી અગાઉની બેઠકમાં રજૂ થયેલાં પ્રશ્નો તેમજ ધારાસભ્ય પી.ડી.વસાવા તરફથી આજની બેઠકમાં રજૂ થયેલાં પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરાઇ હતી અને સંબંધિત વિભાગોને તેના વાજબી ઉકેલ માટે જિલ્લા કલેક્ટર કોઠારીએ જે તે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપી તે અંગેનું માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.આ બેઠકમાં કેવડીયા કોલોની ખાતે સ્થાનિકોને રોજગારી પૂરી પાડવા, ભચરવાડા ખાતે પોલીટેકનીક કોલેજના બાંધકામના સ્થળ સંદર્ભે ઉકેલ લાવવા, રાજપીપલામાં હઝરત નિઝામશાહ નાંદોદી દરગાહ પરિસરના વિકાસ માટેની દરખાસ્ત તૈયાર કરવાં, દેવમોગરા, વિશાલખાડી, જુનારાજ, નિનાઇ ધોધ વગેરે જેવા ઇકો ટુરિઝમ કેન્દ્રોની પ્રવાસી સુવિધા વધુ વિકસાવવા, ફોરેસ્ટ વિલેજમાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગથી ઉભી કરાયેલી વીજ સુવિધા સંદર્ભે અંડર ગ્રાઉન્ડમાં થતાં વિજ ફોલ્ટનું યોગ્ય નિવારણ લાવવા વગેરે જેવા પ્રશ્નોના નિકાલ અંગે વિસ્તૃતચર્ચા-વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઝુંબેશના રૂપમાં હાથ ધરવા, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી,પ્રોવિડન્ટ ફંડ, સરકારી વિમાની રકમ, પ્રવરતા યાદી, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, બાકી તુમારોનો નિકાલ વગેરે જેવી બાબતોની સમીક્ષા કરી તેનો સમયસર યોગ્ય નિકાલ થાય તે જોવાની પણ કોઠારીએ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
રાજપીપળા : જિલ્લા કલેક્ટર કોઠારીના અધ્યક્ષપદે યોજાઇ જિલ્લા સંકલન- સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક
Advertisement