રાજપીપળા જીલ્લા જેલના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના તમામ કર્મચારીઓએ પોતાની માંગો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ગુજરાત રાજ્યના પોલીસ સંવર્ગના કર્મચારીઓ માટે ‘ફિક્સ રકમ‘ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં ગુજરાત રાજ્યના જેલ વિભાગના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓને સમાવેશ કરવા બાબતે રાજપીપળા જેલ વિભાગના કર્મચારીઓએ નર્મદા કલેકટરને ગઈકાલે આવેદનપત્ર આપ્યું હતું અને ગઈકાલથી માસ સીએલ પર ઉતર્યા હતા પણ કોઈ ઉકેલ ના આવતા આજે બીજા દિવસે પણ રાજપીપળા જેલના કર્મચારીઓએ પોતાની હડતાળ અચોક્કસ મુદત માટે ચાલુ રાખતા આજે જેલની વહીવટી કામગીરી થપ્પ થઈ ગઈ હતી.
ખાસ ભથ્થા, ફિક્સ પગારના કર્મચારીઓનો રજા, પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે અને ફરી વિસંગતતા ઉભી ન થાય તે માટે સરકારમાં રજુઆત કરવા આજદિન સુધી કોઇ પણ પ્રકારનો નિર્ણય આવેલ ન હોય જે માંગ સંતોષવા જણાવ્યું છે.
હડતાળને કારણે જેલની જે કામગીરીઓ ખોરંભે પડી ગઈ હતી ખાસ કરીને હવેથી જેલની શિસ્ત અને અનુશાસન તથા વહીવટની કામગીરી પર અસર પડશે. એટલું જ નહીં કેદીઓને હોસ્પિટલમાં મોકલવાનું હોય કે કોર્ટની મુદત હોય તો કોર્ટમાં હાજર કરવા જેવી કામગીરી પણ ખોરંભે પડી જશે.
દીપક જગતાપ, રાજપીપળા