નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરાયા હતા ઉપરાંત ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અગાઉ તાલુકા કક્ષાએ ધરણા અને આવેદનના કાર્યક્રમ આપ્યા બાદ પણ સરકાર દ્વારા શિક્ષકોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે સમગ્ર નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓના આશરે 600 થી 700 શિક્ષકોએ કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી 1/1/2016 ની અસરથી બધા જ શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, ફિક્સ પગાર દૂર કરવું, શિક્ષકોને ટીચર શિક્ષક સહાય વિદ્યાસહાય ગણિત શિક્ષકોના અથવા નવા શિક્ષકોને 31 માર્ચ 2021 પહેલા એક સરખુ વેતન આપવામાં આવે, દેશના તમામ શિક્ષકોની જેમ સમાન ગ્રેડ પે આપવામાં આવે.આ બાબતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભાઈ ભગતે જણાવ્યું હતું કે અમારી માંગણીઓ પુરી ન થાય તો આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉગ્ર આંદોલન કરીશું.નાનસિંગ ભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષક સમાજનો ઘડવૈયો છે જ્યારે તે તકલીફમાં હોય તો સમાજ ક્યારેય સુખી ન થઈ શકે અમારી માંગણીઓ યોગ્ય છે. કોઈ બિન જરૂરી માંગણીઓ નથી.
રાજપીપળા, આરીફ જી કુરેશી