૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લે તેવા હેતુસર નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સમાં દરેક વ્યક્તિએ ભાગ લેવો જોઈએ, જેથી પોતાના સ્વાસ્થ્ય સાથે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સહભાગી બની શકીએ. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપે સમાજ અને રાષ્ટ્ર માટે પણ કંઈક યોગદાન આપી શકીશું. ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારના બાળકો શાળા-કોલેજમાં પણ રમતોમાં રસ પૂર્વક ભાગ લઈ માત્ર જિલ્લા કે રાજ્ય કક્ષાએ જ નહીં પણ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લઈને આગળ વધે તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને આગળ ધપાવવા સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય 36 મી નેશનલ ગેમ્સની યજમાની કરી રહ્યું છે તે આપણા સૌના માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ અવસરને આપણે સૌ આગળ આવીને વધાવીએ તેવી સાંસદે સૌને અપીલ પણ કરી હતી.
રાજપીપલામાં જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ૧૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર-૩ (ત્રણ) શાળા અને રાજપીપલા તેમજ દેડીયાપાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર-૩ શાળાઓને ઈનામી રાશિના ચેકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અગ્રેસર રહી ઈનામ પ્રાપ્ત કરનાર તમામ વિજેતાઓને સાંસદ મનસુખભાઈ વસાવાએ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ “ફીટ ઈન્ડિયા” ની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી.
દીપક જગતાપ, રાજપીપળા