રાજપીપલા ખાતે રાજપીપલા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાંરૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરાયું હતું.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી રાજ્ય વિકાસની હરણફાળ ભરવામાં ગુજરાતે અવિરત આગેકૂચ જારી રાખી છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીઅને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કડીએ ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ વિકાસયાત્રા સતત આગળ ધપાવી છે. ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે તેના સાશનકાળનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે સમગ્ર ગુજરાતવાસીઓએ સરકારમાં મુકેલા વિશ્વાસ અને તેના થકી રાજ્યમાં થયેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રાંત કક્ષાએ યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના રાજપીપલા પ્રાંત કક્ષાના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા બોલી રહ્યાં હતાં. આ પ્રસંગે પર્યુષાબેન વસાવાના હસ્તે અંદાજે રૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂતની ડિજીટલ માધ્યમથી ઉક્ત વિકાસ કામોની તકતીનું અનાવરણ કરાયું હતું. જેમાં રૂા.૪.૫૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૩૦૪ જેટલા વિકાસ કામોના ઇ-ખાતમુર્હૂત અને અંદાજે રૂા.૨.૦૯ કરોડથી વધુની રકમના ખર્ચેના ૨૨૫ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.
પર્યુષાબેન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારના છેવાડાના માનવીના શિક્ષણ, રોજગાર, કૃષિ-સિંચાઇ, પશુપાલન સહિત આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં અદ્વિતીય સફળતા મળેલ છે, ત્યારે સમગ્ર દેશ અને વિશ્વમાં ગુજરાતનું નામ વધુ રોશન થાય એ માટે પ્રજાકીય સુખાકારીના મંજૂર થયેલા વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તે દિશાના પ્રયાસો વધુ ધનિષ્ઠ બનાવવામાં સૌ કોઇને સહયોગી બનવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતોં. નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યાભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધમાં જણાવ્યું હતું કે, આજના સમારોહમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓનો થયેલો સુભય સમવય જિલ્લાવાસીઓની વિકાસની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષવામાં કડીરૂપ બનવાની સાથોસાથ નર્મદા જિલ્લો આગામી સમયમાં વિકાસની દિશામાં ચોક્કસ નંદનવન બની રહેશે, તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.
દીપક જગતાપ, રાજપીપળા