નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ગઈકાલે ચંદન ચોર ટોળકી સક્રિય બની હતી. જેમાં રાજપીપળામાંથી બે ઠેકાણેથી ચંદનના વૃક્ષો મોડી રાત્રે કાપી જવાની ઘટનાએ ચકચાર મચી છે. તેમાં રાજપીપળા કરજણ કોલોની ખાતે આવે ચંદ્રમૌલેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાંથી 25 વર્ષ જુના ચંદનના ઝાડને કાપી નાખવામાં આવ્યુ છે. જ્યારે એમઆર વિદ્યાલયના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર રાઠોડના નિવાસ્થાને શાસ્ત્રીનગરમાંથી પણ કમ્પાઉન્ડમાં વાવેલું ચંદનનું ઝાડ કાપવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કરજણ કોલોની ખાતે આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવના મંદિરના કમ્પાઉન્ડમાં જ 25 વર્ષ પુરાણા ચંદનના ઝાડને તસ્કરોએ ચંદનનું ઝાડ કાપી નાખ્યું હતું. જેમાંથી વચ્ચેનો 10 ફૂટનો ચંદનનો ગબ્બો કાપીને બાકીના ડાળખા રહેવા દીધી છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે 21 વર્ષ જૂનું ચંદનનું ઝાડ જેનો ઘેરાવો સાતથી આઠ ફૂટનો છે જે 15 વર્ષ જૂનું ઝાડ છે. તેને પણ વચ્ચેથી સાત ફૂટનો ગબ્બો કાપીને તસ્કરો લઈ ગયા છે. આજે બજારમાં ચંદનની ભારે માંગ હોવાથી ચંદનની તસ્કરી વધી છે. રાજપીપળામાં ચંદનના ઝાડો ક્યાં ક્યાં આવેલા છે તેનો આ તસ્કર ટોળકીએ સર્વે કરી રાત્રે ચંદનના ઝાડને નિશાન બનાવ્યું હતું. ચંદનના ઝાડો કાપી જતા આજુબાજુના ભક્તો અને રહીશોમાં ભારે રોષની લાગણી જન્મી છે. જોકે કરજણ કોલોનીમાં અને અન્ય સ્થળોમાં પણ સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે નર્મદા પોલીસ મહત્વના જાહેર સ્થળો, ધાર્મિક મંદિરો તેમજ શેરીઓના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડે એવી લોકોની માંગ છે.
દીપક જગતાપ રાજપીપલા