ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રીયન પરિવાર ભારે ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવતા હોય છે ત્યારે રાજપીપલામાં પણ મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. જેમાં રાજપીપળાના મહારાષ્ટ્રીયન પત્રકાર દંપત્તિ દિપક જગતાપ અને વોઇસ ઑફ નર્મદાના તંત્રી જ્યોતિ જગતાપના આ નિવાસ્થાને આજે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી અને આરતી પૂજન કરી આજથી દસ દિવસ ગણેશજી સૌના વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે વોઇસ ઑફ નર્મદા અખબારના તંત્રી જ્યોતિ જગતાપે જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોવાથી અને અને કેમિકલવાળા રંગો નદીને પ્રદુષિત કરતા હોઈ તેમજ જળચર સજીવોને નુકશાન કરતા હોવાથી પીઓપીની મૂર્તિની સ્થાપના ન કરતા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ એવો પર્યાવરણનો મેસેજ આપ્યો હતો. ગણેશ વિસર્જન વખતે પણ ઘરે જ ડોલમાં વિસર્જન કરી કુંડામાં છોડમાં પાણી રેડી વિસર્જન કરીશું એમ જણાવ્યું હતું. તેમણે અન્ય ભક્તોને પણ માટીની મૂર્તિની જ સ્થાપના કરવા અને પૂજા કરવા અપીલ કરી હતી.
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં આજથી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ હોવાથી જાહેર કાર્યક્રમો થતા નહોતા. પણ આ વર્ષે રાજપીપળામાં ઠેર ઠેર ગણેશ મંડપમાં ગણેશજીની સ્થાપના થઈ છે અને આજથી ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો હતો.
દીપક જગતાપ રાજપીપલા