નર્મદા જિલ્લા વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાલમાં ૭૩ માં વન મહોત્સવની જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામલોકોને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મીની કાશ્મીર તરીકેની ઓળખ ધરાવતા નર્મદા જિલ્લામાં ચોમાસા દરમ્યાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના લોકોને અનુરોધ કર્યો હતો. સાથોસાથ સરગવાનો છોડ અને તેના પાન-સ્ટીક ખૂબ જ આરોગ્યપ્રદ હોય તેનું પણ વધુમાં વધુ વાવેતર કરવામાં આવે તે માટે તેનું વિતરણ કરવા માટે વન વિભાગને સુચન કર્યુ હતું.
દેડિયાપાડા તાલુકા કક્ષાનો ૭૩ મો વન મહોત્સવ ગંગાપુર ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા અને અન્ય મહાનુભાવોએ હાજર રહી પર્યાવરણ અને વન પ્રત્યે જનજાગૃતિ માર્ગદર્શન આપી વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ નર્મદા જિલ્લાના નાયબ વન સંરક્ષક જે. એ. સોલંકી, દેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ તડવી, જામની ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ માનસીંગભાઈ, સગાઈ રેન્જના આર.એફ.ઓ ઉન્નતિબેન, ફુલસર રેંજના આર.એફ.ઓ તેમજ દેડીયાપાડા તાલુકાના સામાજિક વનીકરણ અને વન વિભાગના કર્મચારીઓ તેમજ દેડીયાપાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા