રાજપીપળા નગરીને સુંદર સ્વચ્છ બનાવવાની તંત્ર ખાલી વાતો જ કરે છે પણ આ બધું કાગળ પર જ દેખાઈ રહ્યું હોય એમ લાગે છે. કારણ કે રાજપીપળા નગરપાલિકા જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી રાજપીપળાના રસ્તાઓની દુર્દશા બેઠી છે. આટલા ખરાબ રસ્તાઓ પ્રજાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય જોયા નથી. વિકાસના નામે ભૂગર્ભ ગટર યોજના અને ગેસની પાઇપ લાઈનના નામે આખુ રાજપીપલા ખોદી નાખ્યું. પ્રજાને અનેક હાડમારી વેઠવી પડી. એક એવુ આશ્વાશન કે નગરનો વિકાસ થશે. અનેક લોકો ખાડાઓમાં પડ્યા, અકસ્માતનો ભોગ બન્યા. છતાં પ્રજાએ સહન કર્યું કે ચાલો વિકાસ થઈ રહ્યો છે થોડી તકલીફ પડશે.ગેસની પાઇપલાઇન વખતે આખું રાજપીપળા કોઈ પણ ચોક્કસ આયોજન વગર ખોદી નાખ્યું. પણ પછી એ ખોદાયેલા રસ્તાઓનું પુરાણ કરવાની તસ્દીજ ના લીધી.! જ્યાં પુરાણ કરે છે એમાં પણ વેઠ ઉતારે છે.અમુક જગ્યાએ નાના મોટા ખાડાઓ પૂરવાનો સંતોષ માન્યો પણ વરસાદે એને પણ ધોઈ નાખ્યા.
નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ એવા તે કેવા તકલાદી રસ્તા બનાવ્યા કે બે મહિનામાં ધોવાઈ ગયા? નગરપાલિકાનો આ તે કેવો વિકાસ? આ તે કેવો વહીવટ? એટલું જ નહીં રાજપીપળા નગરપાલિકા જાણતી હતી કે ચોમાસું ઢૂકડુ આવે છે. પાલિકા પાસે પૂરતો સમય હતો ખાડાઓ પૂરવાનો. ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓથી ભરાઈ જશે. તો ખાડાઓ પુરવા જોઈતા હતા, સમારકામ કરવું જોઈતું હતું પણ નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલ્યું નહીં અને રસ્તાઓ એવાને એવા જ રહ્યા. આવા બિસ્માર રસ્તાઓ જોઈને વરસાદ પણ તંત્ર સામે એવો ખીજાયો.. એવો ખિજાયો કે વરસાદે તમામ રસ્તાઓની ખબર લઇ નાખી અને રસ્તાઓને બરાબર ધોઈ જ નાખ્યા. રાજપીપળાના રસ્તાઓ નદી પટમાં ફેરવાઈ ગયા અને મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા. મોટા મોટા ખાડાઓ પડી ગયા. આખા નગરમાં એટલા બધા ખાડા છે કે ગણી શકાય એમ નથી. વરસાદની મોસમમાં આ ખાડા પૂરવાનો, માટી કે મોરમ નાખવાની તંત્રએ તસદી લીધી નથી. મહિલાઓ, બાળકો રસ્તાપર ચાલતી વખતે ખાડામાં પડે, વાહનો પડે, બગડે, અકસ્માત થાયકે નુકસાન થાય તો તંત્રને શું? તંત્રને ક્યાં પડી છે? પ્રજાએ નગરપાલિકાના સત્તાધીશોને ખોબે ખોબા મત આપીને સત્તા પર બેસાડ્યા. પણ ચૂંટાયેલા સત્તાધીશોને પ્રજાના પ્રશ્નોને કોઈ પડી જ નથીએવી લોક ચર્ચા વહેતી થઈ છે.
હમણાં બે મહિના પહેલા જ કાળીયાભૂતથી કોર્ટ સુધીનો કોલેજ રોડ નવો જ બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસામાં આ રોડના આજે ખસતા હાલ છે. ખાસ કરીને ડો. ગિરીશ આનંદના દવાખાનાની સામે રોડ એટલો ધોવાઈ ગયો છે, એટલા બધા ખાડા પડી ગયા છે કે રાહદારીઓને, વાહન ચાલકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અહીંયા પીવાના પાણીની પાઇપલાઇનમાં પણ ભંગાણ થયું છે. તે કેટલા દિવસથી ખોદી રાખ્યું છે તે બંધ કરવાનો પૂરવાનો સમય નથી. ત્યાં બેરીકેડ લગાવીને રસ્તો સાકડો બનાવી દીધો છે. બધે ખોદી રાખ્યું છે તેને કારણે પાઇપલાઇનમાંથી પીવાનું પાણી પણ ડહોળું પાણી આવતું હોવાની રહીશોની ફરિયાદ છે. ચોમાસામાં આવું ડહોળું પાણી નળમાં આવે તો એ ગંદુ પાણી પીવામાં આવે અને પીવામાં આવે તો રોગચાળો થાય કે બીમાર પડે તો એ કોની જવાબદારી? નગરપાલિકાતંત્રની આટલી અક્ષમ્ય બેદરકારી કેમ ચલાવી લેવાય.?
ડો.ગીરીશ આનંદના દવાખાનની સામે એટલા બધા ખાડા છે કે ત્યાંથી શાળા કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, દવાખાનામાં દર્દીઓની આવનજાવન થાય છે. આગળ સિવિલ હોસ્પિટલ, સરકારી કચેરીઓમાં જતા આવતા કર્મચારીઓ, દર્દીઓ અને વાહન ચાલકો, રાહદારીઓ આ રસ્તેથી પસાર થાય છે ત્યારે આખો નવો જ બનેલો રસ્તો કેવી રીતે ધોવાઈ ગયો કે આટલા બધા ખાડા કેમ પડી ગયા? એ આશ્ચર્યનો વિષય છે. આ રોડ બે વખત બનાવવામાં આવ્યો છતાં પણ વરસાદે આ તમામ રસ્તાઓ ધોઈ નાખતા વરસાદે આ તકલાદી રસ્તાના કામોની પોલ ખોલી નાખી છે. આ રસ્તાના કામો કયા કોન્ટ્રાક્ટરે કર્યા તે તપાસનો વિષય બન્યો છે. તેની તપાસ થવી જોઈએ અને ગુણવત્તા વિહોણા તકલાદી રસ્તો બનાવનાર એજન્સી અને કોન્ટ્રાકટર સામે તાકીદે પગલાં લેવાની પ્રજાએ માંગ કરી છે અને કોન્ટ્રાકટરના જ ખર્ચે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ ઉઠી છે.
બીજી તરફ સંતોષ ચાર રસ્તાથી લીમડા ચોક તરફના રસ્તે પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો પોસ્ટ ઓફિસ જવાનો રસ્તો તો ઘણા વખતથી ખાડાઓથી ભરેલો છે. વરસાદમાં આ રસ્તો તો નદીપટમાં ફેરવાઈ જાય છે જ્યારે પાણી ઉતરી જાય ત્યારે અહીંયા ખાડા જ ખાડા દેખાય છે. અહીંયાથી વાહનો પસાર થાય ત્યારે ડિસ્કો ગાડી દોડતી હોય એવું લાગે છે. આખો રોડ ડિસ્કો રોડ બની ગયો છે. રાજપીપળાના તમામ રસ્તાઓ ખોદાયેલા અને ખાડાવાળા બની ગયા છે. રાજપીપળા નગરી ખાડા નગરી બની ગઈ છે. શું નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે? અને પુરાણ ક્યારે કરવું અને રસ્તાનું સમારકામ ક્યારે કરવું એના ઉદ્ઘાટનની શું રાહ જોઈ રહ્યા છે?
બે દિવસ પહેલા જ નર્મદા જિલ્લા પંચાયત કચેરી ખાતે દિશા મોનીટરીંગ કમિટીની મિટિંગ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં બિસ્માર રસ્તાને લગતો મુદ્દો સાંસદે લીધો હતો.જેમાં ખાસ કરીને ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકશાન થયેલ હોઈ પ્રજાને પડતી તકલીફ અંગે ચિંતા વ્યક્ત કરી શક્ય હોઈ તેટલા વહેલી તકે રોડ રસ્તાઓ રિપેરિંગ કરવા અને બાકીનાને નવી દરખાસ્ત કરી મંજુર કરાવવા જણાવ્યું છે ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર ક્યારે કામે લાગે છે.
રાજપીપળા નગરમાં નથી સારા રસ્તાઓના ઠેકાણાકે આડેધડ પાર્કિંગને કારણે નથી કોઈ સારા પાર્કિંગની વ્યવસ્થા. અહીં વર્ષોથી રખડતા ઢોરોના ત્રાસથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. જ્યાં ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. શાક માર્કેટથી માંડીને બજારોમાં દુકાનદારોએ ગેરકાયદેસર દબાણો વધારી દીધા છે. ફૂટપાથ પર લટકણીયા, પડદા, ઝુલતા પાટિયા આડેધડ લગાડી રસ્તો રોકી લીધો છે લોકોને માર્કેટમાં જવાનો રસ્તો જ રહ્યો નથી
નગરની ફૂટપાથો પ્રજાને ચાલવા માટે રહી જ નથી! ત્યાં વેપારીઓએ પોતાના લારી ગલ્લા, રેંકડીઓ ખડકી દીધી છે. કેટલાકે તો પાક્કા ઓટલા પણ ચણી દીધા છે!. શું આ બધું નગરપાલિકાને દેખાતું નહી હોય ? શું પાલિકા તંત્ર આંધળું, બહેરું અને મૂંગું થઈ ગયું છે? નગરની સમસ્યા એમને દેખાતી નથી?પ્રજાનો અવાજ સંભળાતો નથી? તંત્ર ચૂપ કેમ છે. તંત્રનું મૌન પ્રજાને અકળાવી રહ્યું છે.
પ્રજા છેડેચોક ચર્ચા કરી રહી છે કે આ તે કેવો વિકાસ? વિકાસના નામે કરોડો ખર્ચાતા હોવા છતાં વિકાસ ને બદલે રકાસ કેમ? રાજા રજવાડા વખતનો રાજપીપળાનું એક સુંદર સ્વચ્છ નગર અત્યારે સાવ ગંદુ, અને અવ્યવસ્થિત દબાણોનું અને ખાડાવાળું નગર બની ગયું છે. જેના માટે જવાબદાર માત્ર અને માત્ર નગરપાલિકાના સત્તાધીશો જ છેએમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજપીપલામા નવા આરસીસી રસ્તાઓ પહોળા બનાવ્યા. સાંકડા રસ્તા પહોળા બન્યા પણ લોકોએ એ રસ્તા પર રોડ પર પોતાના ખાનગી વાહનો ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર પાર્ક કરવાનું શરૂ કરીદીધું છે. જેને કારણે પહોળા રસ્તાઓને સાંકડા બનાવી દીધા છે. આ લોકો આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે. સીસીટીવી કેમેરા અને ટ્રાફિક પોલીસ અહીં શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શું ટ્રાફિક પોલીસ આંખે પાટા બાંધીને ડયુટી બજાવી રહી છે?. આ બધું એમને દેખાતું નથી? બીજી તરફ રાજપીપલા સંતોષ ચાર રસ્તાથી માંડી લીમડાચોક વાળા રસ્તે શાકભાજી વાળાઓ રોડની બહાર આવી માંડવા બાંધી ગેરકાયદેસર દબાણો ઉભા કર્યા છે. આ શાકભાજી લારી વાળાઓએ તો આ રોડની ગલીઓ પણ બ્લોક કરી દીધી છે. ગલીમાં એમની લારીઓ, શાકભાજીનો પથારાનો સમાન ખડકી દીધો છે. ત્યારે આવા ગેરકાયદેસર દબાણો કરવાની પરવાનગી કોણે આપી? આવી ગલીઓમાં આગ અકસ્માતની ઘટના બની તો આડે આવતા લારી ગલ્લાઓ હટાવ્યા વગર પાણીનો બમ્બો આગ બુઝાવવા ગલીમાં જશે કેવી રીતે? ભવિષ્યમાં આવી ઘટનાઓ બનશે તો તેના માટે માત્ર અને માત્ર નગરપાલિકાનું બેજવાબદાર તંત્ર જ જવાબદાર છે. શું શાકભાજીના લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની હિમ્મત કરશે ખરી? પ્રજા આ બધું જોઈ રહી છે. ભાઈયે પબ્લિક હે સબ જાનતી હે.
હજુ પણ રાજપીપળા નગરની અંદર મોટાભાગના વિસ્તારોમાં ગેસની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર લાઈન લોકોને મળી નથી એનો પ્રજામાં ભારે રોષ છે. આખું ગામ ખોદી તો નાખ્યું પણ હજી પણ ઘણા વિસ્તારોમાં રહીશોને નથી ગટરલાઈનનું જોડાણ મળ્યું કે નથી ગેસની પાઇપ લાઇન મળી. નગરપાલિકાના સત્તાધીશોને આ અંગે વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. નગરપાલિકાના સત્તાધીશો નિષ્ક્રિયતાનો અને બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. જેની સામે પ્રજામાં ભારે રોષ છે. અહીં વિરોધ પક્ષ પણ સાવ નબળો અને બોદો પુરવાર થયો છે. વિકાસના નામે ખોટા થયેલા કામોનો વિરોધકરવાની શક્તિ વિરોધ પક્ષમાં રહી નથી. ત્યારે રામ ભરોશે ચાલતારાજપીપલા નગર ને સુંદર અને સ્વચ્છ ક્યારે કોણ બનાવશે એ પ્રજામાં હાલ તો ચિંતાનો વિષય બન્યો છે.
દીપક જગતાપ, રાજપીપલા