ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૩ ટકા ભરાઈ જતા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થઈ ગયા છે. રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
મધ્યપ્રદેશના ડેમાંથી પાણી છોડતા નર્મદા ડેમમા પાણીની આવક સતત વધી રહી છે જેને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલવામાં આવતા અંદાજે ૧૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની સતત વધતી જતી આવકને પગલે નર્મદા ડેમ ૮૩ ટકા ભરાઈ ગયો છે. ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં છે. જેને પગલે દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.તા. ૧૨ મીથી કેનાલ હેડ પાવર હાઉસના ૦૪ યુનિટ મારફત સરેરાશ એક યુનિટ દીઠ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટનું વિજ ઉત્પાદન થઈ રહ્યું છે.
વિજ ઉત્પાદન બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા આજની સ્થિતિએ હાલમાં આશરે સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા