મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે,ત્યારે નર્મદા જિલ્લા સ્થિત આવેલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે, ડેમમાં સતત પાણીની આવકના પગલે ડેમની જળ સપાટી ૧૩૩.૫૧ મીટરે પહોંચી ચૂકી છે, જે બાદ તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આજે બપોરે ૧૨ કલાકે ડેમના પાંચ દરવાજા ૧ મીટર જેટલા ખોલવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે, ત્યારે ઉપરવાસમાંથી સતત ડેમમાં ૨ લાખ ૬૪ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે જાવક માટે હવે નર્મદા નદીના તંત્ર દ્વારા દરવાજા ખોલી નર્મદા નદીમાં ૧૦ હજાર થી ૧,૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરી છે,નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટીથી માત્ર ૫ મીટર નીચે છે,ત્યારે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા નદી હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૪ ફૂટના લેવલે વહી રહી છે, ડેમમાંથી ૧,૫૦ લાખ ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થાય તો ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં સામાન્ય વધારો નોંધાવી શકે છે, જે ખતરાના નિશાનથી ખૂબ દૂર છે, જોકે નદી આગામી દિવસોમાં સતત ડેમમાંથી પાણીની આવક થાય તો બંને કાંઠે વહેતી થઇ શકે તે બાબત પણ નકારી શકાય તેમ નથી જોકે હાલ તંત્રએ નદીમાં પાણીની આવક બાદ સાવચેત રહેવા માટેના સૂચન જે તે વિભાગો આપ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.