પ્રકૃતિ પરિચય અને વન સુરક્ષા અંગે જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત રાજ્યનાં નર્મદા જીલ્લાનાં ડેડિયાપાડા વિસ્તારમાં આવેલ શુલપાણેશ્વર અભ્યારણ્યમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમ્યાન વન્યજીવ, પ્રકૃતિ વિષયક, જીવજંતુ, પક્ષીઓ, ઔષધી વિશે વિસ્તારથી માહિતી અને અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રાકૃતિક સ્થળોની મુલાકાત મેન્ટોર રમેશ સરવાણી અને ભરત રાવતના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ ઉપરાંત લેન્ડ સ્કેપ, બર્ડ ફોટોગ્રાફી, મેક્રો ફોટોગ્રાફીનું માર્ગદર્શન ગુજરાત જિયોગ્રાફી મેગેઝીનના તંત્રી દિનેશ ખુંટ દ્વારા આપવામાં આવી તેમજ કાર્યક્રમનું સંચાલન ગુજરાત જિયોગ્રાફી મેગેઝીનના તંત્રી દિનેશ ખુંટ અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનાં કો-ઓર્ડીનેટર વિજય ખુંટની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતિમ દિવસે રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની રાષ્ટ્રીય ટિમની વિશેષ હાજરી હતી. જેમાં રાષ્ટ્રીય ચીફ કમિશ્નર પ્રૉ. અમિતકુમાર રાવલ, નેશનલ ટ્રેઝરર મહેબૂબ અલી સૈયદ, નેશનલ કો ઓર્ડીનેટર વિજય ખૂંટ તેમજ રાષ્ટ્રીય કારોબારી સભ્યો પરવેઝખાન પઠાણ અને સલીમ મોમીન ઉપસ્થિત રહ્યા તેમજ તમામ તાલીમાર્થી સાથે રાષ્ટ્રીય ટીમ દ્વારા નિનાઈ ધોધની મુલાકાત લેવામાં આવી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ દરમ્યાન નેશનલ કો ઓર્ડીનેટર વિજય ખુંટે જણાવ્યુ કે આજે આપણે પ્રકૃતિની જે સુંદરતા જોઈએ છીએ એ આવનારી પેઢીને દેખાડવી હશે તો પ્રકૃતિનું જતન કરવું પડશે. અને બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાડવો પડશે. આ શિબિરમાં આવનાર દરેક વ્યક્તિ પ્રકૃતિ અને વનયજીવોના જતન અને સંરક્ષણ થાય તે માટે લોકોને જાગૃત કરશે તેવી બાંહેધરી પણ આપી છે.
દીપક જગતાપ, રાજપીપલા