દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ને અનુલક્ષીને દેશભરમાં કેટલાંય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશવાસીઓમાં રાષ્ટ્રની ભાવના કેળવવાના ઉમદા હેતુ સાથે આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ નજરે પડી રહ્યો છે.
રાજપીપલાના મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર ઉમેદભાઈ એમ. તડવીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે કર્મચારીઓની ઉત્સાહભેર જનભાગીદારી સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા બાઈક રેલીને પોસ્ટ ઓફિસ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા બાઈક રેલી કાલા ઘોડા સર્કલ, સફેદ ટાવર, જૂની કોર્ટ સર્કલ, જૂની સિવિલ, રાજવંત પેલેસ, કાળીયાભૂત ચોકડીથી થઈ જિલ્લા કલેક્ટર કચેરી રાજપીપલા ખાતે આવી પહોંચી હતી. જ્યાં પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓએ એક સાથે તિરંગો ફરકાવીને સૌને એકતાનો સંદેશ આપ્યો હતો. જે બાદ પોસ્ટ ઓફિસ ખાતે તિરંગા બાઈક રેલીનું સમાપન થયું હતું.
પોસ્ટ માસ્ટર ઉમેદભાઈ એમ. તડવીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ ને સફળ બનાવવા માટે રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન કરાયું છે. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા, ઘરે-ઘર, મોહલ્લાઓ, દુકાનોમાં લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે અને વિશ્વને આપણી એકતાનો પરિચય આપે તેવા ઉમદા આશય સાથે યોજાયેલી તિરંગા બાઈક રેલીની ચર્ચા કરતા વધુમાં તેઓએ જિલ્લાવાસીઓને સ્વચ્છતા તેમજ સામાજિક જવાબદારીઓને સમજી જાગૃત નાગરિક તરીકેની નૈતિક ફરજ બજાવવા અપીલ કરી હતી.
‘હર ઘર તિંરગા’ અભિયાન હેઠળ રૂ.૨૫ જેટલા નજીવા મૂલ્યથી રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા થઈ રહેલા વિતરણ અંગે જણાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારની આ ઝુંબેશને સફળ બનાવવા માટે અમે તિરંગાને પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાની વિતરણ વ્યવસ્થા પણ ગોઠવેલ છે, જેથી ઘરે-ઘર, ગલી-મહોલ્લામાં તિરંગો ફરકે અને વિશ્વને આપણી એકતાનો પરિચય થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા યોજાયેલી તિરંગા બાઈક રેલી વખતે આઝાદી જેવો માહોલ પુન: સર્જાયો હતો. કહી શકાય કે, દેશની આઝાદીના ૭૫ વર્ષે ફરી એક વાર દેશમાં એકતાની લહેર જાગી છે.
દીપક જગતાપ, રાજપીપલા