નર્મદા જિલ્લો નદી-નાળાઓ, ખાડીઓ અને પર્વતોથી સજ્જ છે. ચોમાસાની ઋતુમાં આ જિલ્લો સૌંદર્યથી ભરપૂર અને આંખોને ઠંડક આપે છે તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજપીપળા નર્મદા જિલ્લાનું વડુ મથક છે. રાજાઓના મહેલ વગેરે છે અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર વલ્લભભાઇની પ્રતિમા એ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સમગ્ર ભારતભરમાંથી દિન-પ્રતિદિન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
નર્મદા જિલ્લાનો નિનાઇ ધોધ કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવે છે. ખળખળ વહેતા ઝરણા અને ઊંચાઈએથી પડી રહેલા ધોધરૂપી ઝરણા જાણે ઝાંઝરનો અવાજ કરી રહ્યા છે. નિનાઈ ધોધ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠયો છે. અહી પણ દિન-પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ નિનાઈ ધોધને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી તેનો વિકાસ કરવો જોઈએ કેમ કે અહીં આવનાર પ્રવાસીઓ ભૌતિક સુવિધાના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નર્મદા જિલ્લાનો આમ તો ઘણો વિકાસ થયો છે ત્યારે કુદરતના ખોળે કુદરતી સૌંદર્ય વચ્ચે નિનાઈ ધોધનો સંપૂર્ણ વિકાસ કરવો જોઈએ તેમ અહીં આવનાર પ્રવાસીઓનું માનવું છે.
અનવર મન્સૂરી