નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર મહિલા ખેડૂતો વાંસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા અને ઇડીઆઈ અમદાવાદના સંયુક્ત ઉપક્રમેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ મહિલા ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે પાંચ દિવસની રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક ડો. મીનાક્ષી તિવારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની 25 જેટલી મહિલા ખેડૂતોને પાંચ દિવસ માટે ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ડૉ. તિવારીના જણાવ્યા અનુસાર આ તાલીમની વિશેષતા એ છે ત્યાં રાખડી સંપૂર્ણ સુકા વાંસના ટુકડાઓમાંથી કટીંગ કરીને વાંસના મણકા, મોતી અને વાંસના ટુકડામાંથી ડેકોરેટિવ આઈટમ બનાવીને વાસમાંથી કલાત્મક રાખડી બનાવવામાં આવી રહી છે.
આ તાલીમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે હાલ ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે નર્મદાના મોટાભાગના ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. અને ભારે આર્થિક નુકસાન થયું છે.ત્યારે આ મહિલા ખેડૂતો જાતે રાખડી બનાવતા શીખે અને તેનો વેચાણ કરીને આવક મેળવીને આત્મનિર્ભર બને તે માટેનો છે. હાલ રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે આ તાલીમ મહિલાઓને પગભર બનાવવામાં ઉપયોગી નીવડશે છે એમ જણાવ્યું હતું.
દીપક જગતાપ,રાજપીપલા