નર્મદા અતિવૃષ્ટિથી ખાસ કરીને ખેતીના પાક અને અન્ય ગરીબોને ભારે નુકશાન થયું હતું. જેનું નિરીક્ષણ પહેલા મુખ્યમંત્રીએ કર્યું હતું બાદ હવે કૃષિ મંત્રીએ નર્મદાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી છે.
ગુજરાતના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતની સાથોસાથ જિલ્લામાં થયેલા કૃષિ પાકોના નુકશાન સહિત અન્ય ક્ષેત્રે પણ થયેલી નુકશાનીનો કયાસ કાઢી જાત માહિતી મેળવવા નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર, જિલ્લા વહિવટીતંત્ર, સ્થાનિક સંસ્થાઓ અને લોકોના સહયોગથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોના જીવનની રક્ષા કરવાની થયેલી સરાહનીય કામગીરી નિહાળી કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે તેમની નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત દરમિયાન સાંજે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લા પ્રસાશન સાથે બેઠક યોજીને જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી પરિસ્થિતિ અને રાહત બચાવ ટુકડીઓ દ્વારા થયેલી નોંધનીય કામગીરી ઉપરાંત જિલ્લા પ્રસાશન દ્વારા પાણી ઓસરતાની સાથે જ જરૂરી સર્વેની કામગીરી અને ત્યારબાદ તુરત જ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ સહાય, ઘરવખરી સહાય, કપડા સહાય, પાકા-કાચા મકાનની નુકશાની સહાય, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહાય વગેરે જેવી ખૂબ જ ઝડપથી થયેલી કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જરૂરી આંકડાકીય માહિતી મેળવી હતી. તદ્ઉપરાંત જિલ્લામાં માર્ગો, નાળાને થયેલા નુકશાન, વિજ પુરવઠામાં લાઈન-વિક્ષેપ-નુકશાની સહિત જુદા જુદા ક્ષેત્રે થયેલી નુકશાની બાદ જિલ્લા પ્રસાશન દ્વારા યુધ્ધના ધોરણે આ તમામ પ્રકારની દુરસ્તી કામગીરી હાથ ધરીને લોકોનું જીવન રાબેતા મુજબ પૂર્વવત બને તે દિશામાં કરાયેલા પ્રયાસોની પણ મંત્રીએ ઝીણવટભરી જાણકારી મેળવી વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોની હાજરીમાં જ જરૂરી સર્વેની કામગીરી થાય તેવી હિમાયત કરતા મંત્રીશ્રી રાઘવજી પટેલે કોઇ પણ ખેડૂતને અન્યાય ન થાય અને કૃષિ ક્ષેત્રે થયેલા નુકશાનનું સુવ્યવસ્થિત સર્વે થાય તે જોવાનો મંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ બેઠક અગાઉ મંત્રી રાઘવજી પટેલે તિલકવાડા તાલુકાના સાવલી, ગરૂડેશ્વર તાલુકાના ભાદરવા અને અકતેશ્વર વગેરે ગામોની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે સંવાદ કરી જાણકારી મેળવી હતી. મંત્રી પટેલે ગરૂડેશ્વર રેલવે સ્ટેશન નજીક અકતેશ્વર ગામના ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાનું નિરિક્ષણ પણ કર્યુ હતુ અને તેના કાયમી ઉકેલ માટે સ્થળ પર જ સંબંધિતો સાથે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો. ઉક્ત બેઠક બાદ મંત્રી રાઘવજી પટેલ નાંદોદ તાલુકાના હજરપરા ગામની પણ મુલાકાત લઇ અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાર્તાલાપ કરી કૃષિ ક્ષેત્રે થયેલી નુકશાની અંગે જાત માહિતી મેળવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા