રાજપીપળા સહિત નાંદોદ, તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસ અતિ ભારે વરસાદ અતિવૃષ્ટિ થવાને કારણે અને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાને કારણે કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જેમાં ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામો ધાનપોર, હજરપુરા, ભચરવાડા,ધમણાછા, ભદામ, જીતનગર, જેવા ગામોમાં આવેલા કેળના ખેતરોમાં પાણીનો ધસમસતો પ્રવાહ ઘૂસી જતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણીના મોટા પ્રવાહને કારણે મોટાભાગની કેળો તણાઈ ગઈ છે. તો બીજી મોટાભાગની કેળોના ઠડીયા જમીન દોસ્ત થઈ જતા અંદાજે 100 એકરમાં દોઢ લાખ જેટલાં ઠડીયા, કેળનો પાક સદંતર નષ્ટ થઈ જવા પામ્યો છે. જેને કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. આજે ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. જેમાં ધાનપોર, ભચરવાડા, હજરપુરા,ધમણાછા,ભદામ ચિત્રાવાડી વગેરે ગામોમાં ખેતરોમાં પાણી ઘૂસી જતા મોટાભાગની કેળાનો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે.
ધાનપોર ગામના કેળના ખેતરો તમામ જમીન દોષ થઈ ગયા છે અને મોટાભાગની ઠડીયા તણાઈ ગયા છે. ધાનપોર ગામના ખેડૂતોનું જણાવવું છે કે અમારા ગામમાં મોટાભાગના કેળના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને તમામ કેળો જમીનદોસ્ત થઈ ગઈ છે.
ખેડૂતોના જણાવવાનું કે એક એકરમાં સરેરાશ 1500 જેટલા થડિયા આવેલા હોય છે એ જોતા નાદોદ તાલુકામા લગભગ લાખ જેટલા ઠડીયાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. એક એક થડિયો ૪૦-૪૦ કિલો વજનના હોય છે.
દર વર્ષે કરજણ ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડાવાને કારણે આ દુર્ઘટના ઘટતી હોય છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તંત્રએ તબક્કાવાર થોડું થોડું પાણી છોડવું જોઈએ અને ખેડૂતોને આગોતરી જાણ કરવી જોઈએ. જેથી ખેતીના પાકને નુકસાન ન થાય. હવે ખેતીવાડી વિભાગ નુકશાનની ક્યારે સર્વે કરશે અને ક્યારે વળતર મળશે એ તો ભગવાન જાણે પણ આજે ખેડૂત બેહાલ થઈ ગયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર એમને વહેલી તકે વળતર આપે.
દીપક જગતાપ, રાજપીપલા