રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ચારે તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેમાં નર્મદા જીલ્લામાં તમામ તાલુકામાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. જેમાં કેવડીયા અને સાગબારા, ડેડિયાપાડા પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં કેવડિયામાં ધીમી ધારે વરસાદ થતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કેવડિયા વિસ્તારમાં આજે સવારે 6 કલાક સુધી ધીમી ધારે વરસાદ વરસતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આસપાસનું વાતાવરણ વરસાદના લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઉઠી છે. જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મિની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયા છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમેધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરના CHPH ના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે.