નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ફળ સ્વરૂપે CSR એક્ટિવીટી અંતર્ગત અંદાજે રૂા.૭૫ લાખના ખર્ચે ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સ વાન GETCO ના CSR હેઠળ એમ્બ્યુલન્સ મળતા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે જિલ્લા પંચાયત કચેરી સંકુલમાંથી લીલી ઝંડી આપી ત્રણેય એમ્બ્યુલન્સ વાનને તિલકવાડા અને સાગબારા તાલુકા માટે લોકાર્પણ કરાયા બાદ જે તે વિસ્તાર માટે પ્રસ્થાન કરાવાયું હતું.
નર્મદા જિલ્લા માટે ગુજરાત CSR (GETCO) ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી નવીન ત્રણ એમ્બ્યુલન્સ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુખાકારી માટે તિલકવાડા તાલુકાના બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ એમ્બ્યુલન્સ વાનનું નિરીક્ષણ કરી તેમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગેની જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આ નવી એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ થવાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોને ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે. જિલ્લામાં સીએસઆર (CSR) ફંડ હેઠળ અંદાજે રૂપિયા ૨૫ લાખની એક એમ્બ્યુલન્સ એમ કુલ રૂા. ૭૫ લાખના ખર્ચે GETCO દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે. જે આજથી તેમને ફાળવાયેલા આરોગ્ય કેન્દ્રો પરથી સ્થાનિક લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટે જિલ્લાકક્ષાએથી રવાના કરવામાં આવી છે.
દીપક જગતાપ, રાજપીપલા