કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ વિશ્વની વિશાળ પ્રતિમા એકતાનગરમાં બની છે. સાથે જ દેશના ઈજનેર અને આર્કિટેક્ટનો પણ આભાર વ્યકત કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, માનનીય પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ શકય બન્યુ છે, સાથે જ એક ભારતીય તરીકે ગર્વની અનુભૂતી થાય છે. મંત્રી ડો. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.
તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મંત્રીએ નર્મદા મહા આરતીમાં ભાગ લીધો હતો. નર્મદા મહા આરતી માટે ગોરા ખાતે બનાવાયેલ ઘાટ પર વિવિધ લાઈટ અને એલ.ઈ.ડી જોઈને તેમણે ખુશી વ્યકત કરી હતી. મા નર્મદાના દર્શન કર્યા બાદ મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિગ શો નિહાળ્યો હતો, આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર બી.એ. અસારી એ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
દીપક જગતાપ,રાજપીપલા