ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ૬૫ ટકા યુવાનો છે, ત્યારે યુવા દેશને ક્રાંતિકારીઓ પાસેથી પ્રેરણા મળે તેવા હેતુ સાથે પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરાયેલી “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે આજે ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે વંચિત લોકો સુધી પહોંચી તેમને લાભાન્વિત કરવાના નક્કી કરાયેલા લક્ષ્યાંક થકી ગામે-ગામ વિજળી પહોંચાડી છે. માત્ર એટલું જ નહીં, પણ ખેડૂતોનો ખર્ચ ઘટે અને આવક બમણી થાય તે દિશામાં ખેડૂત સમ્માન નિધિ થકી સરકાર સતત પ્રયત્નશીલ છે. તેથી જ આજે રાજ્યના ખેડૂતો વિક્રમજનક ઉત્પાદન કરી રહ્યાં છે અને તેમની ખેત પેદાશોની બજારમાંથી ઉત્તમ કિંમત પણ પ્રાપ્ત થઈ રહી છે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે હિમાચલ પ્રદેશમાં સિમલા ખાતેથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રીયકક્ષાના સંવાદ કાર્યક્રમ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને રૂા.૨૧ હજાર કરોડની રકમના ૧૧ માં હપ્તાની ચૂકવણી સંદર્ભે ઓનલાઇન ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના વરિષ્ટ પદાધિકારીઓ-અધિકારીઓ અને યોજનાકીય લાભાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વર્ચ્યુઅલ કાર્યક્રમને ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે, નર્મદા જિલ્લામાં ૯૬૪૯ આવાસના લક્ષ્યાંક પૈકી ૯૩૬૧ આવાસને મંજુરી આપવામાં આવી છે. જે લક્ષ્યાંકની સામે ૯૮ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. તો “નલ સે જલ” યોજનાનું જિલ્લામાં ૫૬૨ ગામોમાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મંત્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજપીપલામાં કોઈ ભિક્ષુક ન રહેતે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેના થકી આજે રાજપીપલાના ૧૫૬ લોકોનો પુનઃ વસવાટ કરાવ્યો છે. આજે ભિક્ષુકમુક્ત રાજપીપલા બની ગયું છે, જેના થકી જીવદયાની કલ્પના સાકાર થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ૨૫ વર્ષનું આયોજન કર્યું છે જેના થકી સમાજ નિર્માણનું કાર્ય કરી શકાય. હવાઈ, રેલવે, ભૂમિ અને નેટવર્ક કનેકિટીવીટી થકી લોકોને જોડવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ઝડપભેર આગળ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સાંસદ સી.આર.પાટીલે કાર્યક્રમને સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય માહિતીની છણાવટ કરી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પ્રધાનમંત્રીએ યુવાનોને લોન પુરી પાડવા માટે વડાપ્રધાને બેન્કોને પોતાની જામીનગીરી સોંપી દેતાં કોઈપણ પ્રકારના જામીન આપ્યા વિના આજે યુવાન રૂપિયા 50 લાખ સુધીની લોન સરળતાથી મેળવતા થયા છે, તેના થકી યુવાનો પગભર થઈ રહ્યા છે. આ યોજના ખરા અર્થમાં યુવાનો માટે આત્મનિર્ભર પુરવાર થઈ છે તેમ જણાવ્યું હતું. સાથે સરકારી યોજનાઓનો સાચા અર્થમાં લોકોને લાભ મળે તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવા તેમણે હાકલ કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા