ભ્રષ્ટાચાર નાબૂદી માટે વિશેષ લોકજાગૃત્તિની સાથોસાથ સૌ કોઇને સંકલ્પબદ્ધ થવા કરાયેલું આહવાન સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે લેવાયાં સામૂહિક શપથ રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી.
રાજપીપલા, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના એ.સી.બી. નિયામક તથા વડોદરા એ.સી.બી. એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામાં એમ.આર.આર્ટસ સાયન્સ કોલેજ ખાતે નર્મદા જિલ્લા લાંચ રુશવત વિરોધી પોલીસ ઇન્સ્પેટર ની કચેરી દ્વારા લોકજાગૃત્તિના યોજાયેલા વિશેષ કાર્યક્રમને રાજપીપલાના સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ, મદદનીશ સરકારી વકીલ પી.એચ.પરમાર, બાર એસોશીએશનના પ્રમુખ વંદનાબેન ભટૃ, સુરજબા.આર.મહિડા કન્યા વિનય હાઇસ્કૂલના આચાર્ય જતીનભાઇ વસાવા, સામાજિક કાર્યકર વિજયભાઇ રામી, કોલેજના આચાર્ય ડૅા. શૈલેન્દ્રસિંહ માંગરોલા, પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.પટેલ અને બી.ડી.રાઠવા તેમજ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આજે રાજપીપલાની ઉકત કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વિકાસમાં અવરોધરૂપ ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા સત્ય અને અહિંસાના માર્ગે મહાસંગ્રામની જરૂરીયાત પર ભાર મૂકી વિશેષ લોકજાગૃત્તિ કેળવવાની હિમાયત કરી હતી. કોઇપણ કામ માટે લાંચ આપવી અને લાંચ લેવી એ બન્ને કાયદા હેઠળ ગુન્હો બને છે તેમજ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને ગુનેગાર હોય છે. આ સંદેશો વ્યાપક રીતે પ્રજા-જનસમુદાય સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ પ્રચાર-પ્રસારનું શ્રેષ્ઠ માધ્યમ છે, ત્યારે ભ્રષ્ટાચાર નાબુદી માટે સૌ કોઇને શપથ સાથે સંકલ્પબદ્ધ થવાનું આહવાન કરાયું હતું.
આ પ્રસંગે કાયદાશાસ્ત્રના તજજ્ઞ-મહાનુભાવોએ તેમના વકતવ્યમાં “ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની” જોગવાઇઓ અને તેની સજા અને દંડમાં કરાયેલા વધારાની બાબતો અંગે વિસ્તૃત છણાવટ સાથે કાયદાકીય માર્ગદર્શન પુરૂં પાડયું હતું અને આવા કિસ્સામાં ફરિયાદ માટે લાંચ રુશવત વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ની હેલ્પલાઇન તેમજ રાજપીપલામાં ટેકરા ફળિયા ખાતે કાર્યરત લાંચ રુશવત વિરોધી પોલીસ ઇન્સ્પેકટરશ્રીની કચેરીના પોલીસ સ્ટેશનનો ફોન નંબર (૦૨૬૪૦) ૨૦૩૦૦૭ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજય લાંચ રુશવત વિરોધી બ્યુરો દ્વારા રાજયભરમાં આ દિશામાં થઇ રહેલી કામગીરીના કેટલાંક કિસ્સાની વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાઇ હતી તેમજ આ અંગેની દસ્તાવેજી શોર્ટ ફિલ્મ પણ દર્શાવી વિદ્યાર્થીઓને જરૂરી સમજણ સાથે માહિતગાર કરાયાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર નિવારણ અંગેના સાહિત્યનું પણ વિતરણ કરાયું હતુ.
આ પ્રસંગે કોલેજના NCC ના છાત્ર નિલેશકુમાર વસાવા, નેહાબેન વસાવા અને તેજલબેન વસાવાએ પણ તેમનું પ્રસંગોચિત વકતત્વ રજૂ કર્યુ હતું, જે બદલ આયોજક તરફથી કોલેજને ટ્રોફી એનાયત કરાઇ હતી. પ્રારંભમાં લાંચ રુશવત વિરોધી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આંતરરાષ્ટ્રીય લાંચ રુશવત વિરોધી દિનની ઉજવણીની રૂપરેખા આપી હતી અને લાંચ રુશવતના બનતા કિસ્સામાં તેમની કચેરી તરફથી હાથ ધરાતી કાર્યપધ્ધતિની પણ તેમણે જાણકારી આપી હતી.વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી પ્રશ્નોતરી અંગે જરૂરી માર્ગદર્શન પણ પુરું પડાયું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારે ભ્રષ્ટાચાર નાબુદી માટે સ્વયંને સમર્પિત કરવા, કોઇપણને લાંચ ન આપવા અને લાંચ ન લેવા, આપણાં દેશવાસીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદીનો સંદેશો ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરવા અને દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની સાથે ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે પોતાનું યોગદાન આપવા સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે સામૂહિક શપથ પણ લીધા હતા.
રાજપીપલા, આરીફ જી કુરેશી