નર્મદા જીલ્લાએ સરકારની યોજના હેઠળ સુખસુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે આગવી સિદ્ધિ મેળવી છે. આ જિલ્લામાં માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે, ત્યારે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા જિલ્લાનો કાર્યભાર સંભાળ્યાના માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા ગાળામાં જ તેઓની કામગીરીની પ્રતીતિ સી.એમ.ડેશબોર્ડ પર થઈ છે.
રાજ્ય સરકાર સી.એમ.ડેશબોર્ડ દ્વારા તમામ જિલ્લાઓની જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખાઓની યોજનાકીય પ્રગતિનું રોજે રોજનું માપન થતું હોય છે. જેમાં પંચાયત વિભાગ અને ગ્રામવિકાસ અંતર્ગત તમામ યોજનાઓ, મનરેગા, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વગેરે શાખાના અધિકારીઓ સાથે પરામર્શમાં રહી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જરૂરી માર્ગદર્શન તથા પ્રેરણા પૂરી પાડી જેથી સતત સી.એમ.ડેશબોર્ડ પર તે અંગેની ક્રમિક પ્રગતિ જોવા મળેલ હતી. સી.એમ.ડેશબોર્ડ પર શાખાના અધિકારીઓ દ્વારા નિયમિત યોજનાકીય કામગીરીની પ્રગતિની એન્ટ્રી કરવામાં આવી રહી છે.
આમ, જિલ્લા વિકાસ અધિકારીના સતત અને સધન પ્રયાસો તેમજ તેઓની વહીવટી કુનેહના કારણે આજે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્યો છે. સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો ભૌગોલિક અને આર્થિક રીતે પછાત ગણાતો જિલ્લો હોવા છતાં તેમજ “ઓનલાઇન” થતી પ્રક્રિયાઓમાં પણ અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાઓ વચ્ચે પણ સફળ કામગીરીની સફળતાનો શ્રેય નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના શિરે જાય છે.
દીપક જગતાપ, રાજપીપલા