રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે તેમજ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનને રિબીન કાપી તક્તીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અનેકવિધ ક્ષેત્રમાં રાજ્ય અને દેશે વિકાસ સાધ્યો છે, ત્યારે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ, લોકોને આજે એસ.ટી.બસની સુલભ સુવિધાઓનો લાભ સરળતાથી મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં અનેક નવાં રસ્તાઓ, નવા એસ. ટી. બસ ડેપોનુ નિર્માણ થતાં લોકો હવે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામોની સાથે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયસર અને ઝડપથી પહોંચી શકશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. દિવાળીના તહેવાર કે ઉનાળાના વેકેશનમાં અલગથી એસ. ટી. બસની ટ્રીપો ગોઠવીને સુલભ સુવિધાઓ પુરી પાડી રહ્યાં હોવાની સાથે રાજ્યમાં દૈનિક સરેરાશ ૨૫ લાખ જેટલા મુસાફરો એસ.ટી દ્વારા મુસાફરી કરી રહ્યાં હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું. રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકો શાળાએ સરળતાથી પહોંચી શકે તે માટે ૨૯૫ જેટલાં ટ્રાયબલ વિસ્તારમાં રૂા. ૫૦૦ કરોડના ખર્ચે કોઝવે સ્ટ્રકચરનું નિર્માણ કરાશે તેવી પ્રતિબધ્ધતા મંત્રી મોદીએ વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારે આગામી સમયમાં લોકો સરળતાથી મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં ઓછા સમયમાં પહોંચી શકે તે માટે બુલેટ ટ્રેન જેવી અત્યાધુનિક સુવિધાઓ પુરી પડાશે તેવો વિશ્વાસ મંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ જિલ્લામાં નવી રોજગારીની તકોનું નિર્માણ થતાં નર્મદા જિલ્લાએ વિકાસ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. ઘર આંગણે જ શ્રેષ્ઠતમ અને ગુણવત્તાયુકત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિટીની ભેટ આપી હોવાનું જણાવ્યું હતું. કોવિડ મહામારીને લીધે એસ.ટી.બસો કે એર સેવાઓ બંધ કરવામાં આવી છે તેને આગામી તા.૧ લી જુલાઇથી પુન : શરૂ કરવામાં આવશે તેમ મંત્રી મોદીએ ઉમેર્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટ વિલેઝ જેવા વિસ્તારોમાં પણ નવા રસ્તાઓનું નિર્માણ કરીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી હોવાની સાથે ઇન્ટરીયલ ગામો છે ત્યાં જરૂર હશે ત્યાં નવા રસ્તાઓનું નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, કેવડીયા કોલોની ખાતે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની સંખ્યા-૦૮ નંગ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ ૩૬૩.૦૭ ચો.મી, એડમીન રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સહિત),વોટર રૂમ (આર.ઓ.સહિત), પાર્સલ રૂમ, સ્ટોક કમ શોપ, ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ, શૌચાલય, ઇલેક્ટ્રીક રૂમ, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મીક્ષ ફ્લોરીંગ, રેસ્ટ રૂમ, ડોરમેટરી સહિતની આનુસંગિક અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૨૨૦ બસોનું આવાગમન સાથે અંદાજીત દૈનિક ૧૧ હજારથી વધુ મુસાફરોને સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનનો લાભ મળી રહેશે.
દીપક જગતાપ,રાજપીપલા