નર્મદા જિલ્લામાં છાશવારે થતાં આગજનીના બનાવો બનતા રહે છે. ખાસ કરીને ઉનાળાના ધોમધખતા તાપમાં આગ લાગે ત્યારે ગરીબોના ઘર, ઝુંપડા, પરસેવાની કમાણીનું રાચરચીલુ ભસ્મીભૂત થતું રહે છે. ગરીબ આદિવાસીઓની ગાય, ભેંસ, બકરા, પશુઓ આગમા જીવતા ભૂંજાઈ જાય, અસંખ્ય ગરીબો બેઘર બનતા રહે છે.
આગ જયારે વિકરાળ સ્વરૂપ આગ જયારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે ગામમાં આગ ઓલવવા માટે બમ્બાની ફાયર સેફટીના કોઈ સાધનો કેફાયર સ્ટેશનની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનોને પાણીની ડોલ બેડાથી આગ ઓલવવા સિવાય બીજો કોઈ પ્રયત્ન બચતો નથી પણ ત્યાં સુધીમા તો આગની જ્વાળાઓએ પોતાનું કામ તમામ કરી દીધું હોય છે.આગ ઘરને લપેટમાં લઈને સંપૂર્ણ ભસ્મીભૂત કરી દેતી હોય છે. પોતાની નજર સામે જ પોતાનું ઘર બળીને રાખ થતું હોય એ કેવું વરવું દ્રશ્ય હશે જીવની જેમ ઉછેરેલા પોતાના જ ખીલે બાંધેલા પશુઓ પોતાની જ નજર સામે જીવતા ભૂંજાઈ જાય ત્યારે એ માલિકની માનસિક સ્થિતિ કેવી થતી હશે એની કોઈએ કલ્પના કરી છે ખરી? દેવું કરીને બિયારણ ખાતર પાણી લાવીને અનાજ ઉગાડ્યું હોય અને એ સઘળું અનાજ પકવનાર અન્નદાતાની નજર સામે જ બળી ને રાખ થઈ જાય ત્યારે ખેડૂતને આત્મહત્યા કરવાનો વિચાર ન આવે તો બીજો કયો વિચાર આવે!?
આપણે ત્યાં ખાટલે મોટી ખોડ એ છે કેઆગ લાગે ત્યારે મકાનો બળીને ભસ્મીભૂત થઇ જાય પછી તંત્રના અધિકારીઓ દોડતા આવે. રાજકીય નેતાઓ વાસણ, કપડાં,અનાજ થોડી ઘણી સહાય લઈનેઆવીને ફોટા પડાવે. અધિકારીઓઘર રાખ થઈ ગયા પછી પંચકયાસ કરવા આવે અને નુકસાની નો રિપોર્ટ બનાવે અને પછી સરકાર માંથી થોડાક રૂપિયા ની સહાય નો ચેક આપવી મદદનો હાથ લાંબાવે.દર વર્ષે આગની ઘટનાઓ બનતી જ રહે છે અને આ તાયફાઓ થતાં જ રહે છે.
આશ્ચર્ય અને ખેદની અને શરમજનક વાત તો એ છે કે 2 જી ઓક્ટોબર 1997મા નર્મદા જિલ્લાની રચના થયાંને આજે 25વર્ષના વહાણાં વીતી ગયા છતાં 25વર્ષમા એક પણ કલેકટર, ડીડીઓ કે અન્ય કોઈ કોઈ અધિકારી નર્મદા જિલ્લાના ૫ તાલુકાઓમાં આ આગ ઓલવવા માટે ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવાઆગળ કેમ આવ્યું નથી? કે કેમ કોઈ અધિકારી આ ફાયર સ્ટેશન માટે ગ્રાન્ટ ફાળવવા ની કાર્યવાહી કરવાની કોઈ તસ્દી લીધી નથી? દર વખતે નેતાઓ અસરગ્રસ્તોને સહાય મદદ આપવા દોડી જતા હોય છે પણ કોઈ નેતાએ આ પાંચ તાલુકાઓમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માટે સરકારમાં નક્કર રજૂઆતકેમ કરતા નથી?જરૂર પડે એ માટે સરકાર સામે અવાજ કેમ ઉઠાવતા નથી? પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને સાંસદ સભ્યોની શું જવાબદારી નથી બનતી? વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીહોય તેનું કોઈ નક્કર આયોજન કર્યું હોયએવુ 25વર્ષમા કોઈ આયોજન કેમ દેખાતું નથી. આયોજન થયું હોય તો આજે નર્મદા જિલ્લામાં 25 વર્ષના વહાણાં વીતવા છતાંયપાંચ તાલુકાઓમ ફાયર સ્ટેશન કેમ ઉભું કરી શક્યા નથી?
એકમાત્ર રાજપીપળા નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન છે. નર્મદાના પાંચ તાલુકાઓ નાંદોદ,ગરુડેશ્વર સાગબારા, દેડીયાપાડા, તિલકવાડા તાલુકામાં એક પણ ફાયર સ્ટેશન નથી. ડેડીયાપાડા સાગબારા જેવા ઉંડાણના ગામ માં આગ લાગે તો રાજપીપળા કે કેવડિયાથી આગ ઓલવવા બમ્બો બોલાવવો પડે. બંબો બે ત્રણ કલાકે આ પહોંચે ત્યાં સુધીમાં તો બધું ભસ્મીભૂત થઈ ગયું હોય. પાણી પહેલાં પાળ બાંધવાનું કોઈ સરકારે કે તંત્રે આજદિન સુધી કેમ વિચાર્યું નથી? નર્મદા જિલ્લો એસપીરેશન ડીસ્ટ્રીક છે. દર વર્ષે સરકારમાં જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે. તો નર્મદા જિલ્લાના ૫ તાલુકાઓમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની ગ્રાન્ટકેમ ફાળવતી નથી કે કેમ કોઈ નક્કર આયોજન થતું નથી? નર્મદા જિલ્લાનું અહોભાગ્ય કહો કે કરુણતા કહો કે બોદી નેતાગીરી કહો કે તંત્રની નિષ્ક્રિયતા કહો આગ લાગે કૂવો ખોદવા જવાનું બંધ કરીએ. કારણ કે આગમાં સરવાળે તો ગરીબ લોકોને જ સહન કરવાનો વારો આવે છે.
મજાક મશ્કરીની હદ તો ત્યાં સુધી થાય છે કે ફાયર સ્ટેશનો તો બનાવી શકતી નથી પણ દર વર્ષે આગ લાગવાની ઘટનામાટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળા આગ હોનારતથી બચાવવાના સફળ મોકડ્રિલના તાયફા કર્યા કરતા હોય છે.અરે જ્યાં આગ ઓલવવાના કોઈ સાધનો જ નથી ત્યાં મોકડ્રિલના નાટકો કરવાનો શો અર્થ? સરકાર આવા તાયફાઓ કરવાનું પણ બંધ કરેઅને તેની સામે ફાયર સ્ટેશનની સુવિધાઓ માટે આગળ આવે એ જ મુદ્દાની વાત છે. જો ખરેખર નર્મદા જિલ્લાના વિકાસની વાત કરવી હોય દરેક તાલુકામાં તાલુકા મથકોએ ફાયર સ્ટેશન સ્થાપવાની જરૂર છે.
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ ગ્રામજનોને પોતાના તાલુકામાં ફાયર સ્ટેશન સ્થાપવાની માંગણી કરવાનો સમય આવી ગયો છે. અને જે ફાયર સ્ટેશન ચાલુ કરવાની ખાતરી આપે તેને જ મત આપવો નહિતર તેમને જાકારો આપવાનો કરવાનો પણ સમય આવી ગયો છે. જનતા જનાર્દન જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી તંત્ર કે રાજકીય નેતાઓના પેટનું પાણી પણ હલવાનું નથી. માત્ર આવેદનો આપવાથી કઈ નહીં થાય સરકારમા પ્રજાએ જ સચોટ રજુઆત કરવી પડશે અને ફાયર સ્ટેશન માટે નક્કર આયોજન કરવા મજબૂર કરવા પડશે. જો તંત્ર અને રાજકીય નેતાઓ આ કરી શકશે તો પ્રજા તમને ફુલડે વધાવી લેશે. પ્રજાહિતમાં તંત્ર અને નેતાઓ આગળ આવે એ આજના સમયની માંગ છે.
દીપક જગતાપ, રાજપીપલા