વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇ જાય છે. નર્મદામા ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય આદિવાસીઓ માટે ટીમરુનાં પાન પૂરક રોજગારીનુ સાધન ગણાય છે.
ગયા વર્ષે કોરોનાઅને લોકડાઉનમા આદિવાસીઓ માટે રોજગાર ધંધા બંધ પડી ગયા હતા પણ આ વર્ષે કોરોનાનું સંકટ ઘટતા હાલ નર્મદામા ટીમરું પાન એકત્રિકરણ અને વેચાણ ખરીદીની મોસમ શરૂ થઈ છે. મે માસની એક મહિનાની સીઝનમા આદિવાસીઓ એટલું સારી કમાવી લે છે કે ટીમરૂ પાનની આવકમાથી આદિવાસીઓ ઘરના આખાનો લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે. આમ ટીમરૂ પાન આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારીનું સાધન બન્યા છે.
આ અંગે ફોરેસ્ટ રાજપીપલા વન વિકાસ નિગમ ડિવિઝનના મેનેજર મુકુંદલાબેન વાઘેલાએ એ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદા જિલ્લાના 13 જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ ચાલી રહ્યુ છે. જેમાં અભ્યારણ્ય વિસ્તારના 6 કેન્દ્રો ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી આ કેન્દ્રોમા પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપરીઓને આપી દેતા ચાલુ સીઝનમા લાખોની આદિવાસીઓએ ચાલુ સીઝનમા રોજગારી મેળવી છે. અહીં નર્મદાના અસંખ્ય કુટુંબોને એપ્રિલ મે મા રોજગારી મળી છે. જયારે અન્ય 7 કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જંગલમાં વેપારીઓને હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચી દેવામાં આવ્યો છે. જેમા ચાલુ સીઝનમા 500 થી વધુ કુટુંબોને રોજગારી મળી છે તેનાથી આદિવાસીઓને સારી એવી આવક થઈ છે.
જયારે ડી આર ભટ્ટ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળાએ જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે. જેમાં મે માસમાં ટીમરુનાં પાનની સીઝન ગણાય છે,હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરુનાં પાન તોડીને ઘરે લાવે છે.પછી આખો પરિવાર આખો દીવસ ભેગા થઇને આદિવાસી પરિવાર 50 પાનની જૂડી બનાવે છે,સાંજે ટીમરુપાનના પોટલામાથે મૂકીને નિયત કરેલા ફલ સેન્ટર પર વેચવા પહોચી જાય છેગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ચાલુ સાલે 100 સ્ટાન્ડર્ડ પુળાના 130 રૂ. ભાવ નક્કી કર્યો છે. આજે તેમને સારો ભાવ મળી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખની આખી સીઝનમા રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે, ઉપરાંત ઘર ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાંખે છે. રોકડા નાણા સ્થળ પર જ ચૂકવી દેતા હોવાથી આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખૂલી જતાં આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
જેમાં એપ્રિલ મે માસમા 81 લાખનું ચુકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસીઓ પાસેથી ટીમરૂના પાન ખરીદીને રોકડા નાણા સ્થળ પર ચુકવતા હોવાનું મેનેજર મુકુંદલાબેન વાઘેલાએ જણાવ્યું હતું. મુકુંદલાબેનના જણાવ્યા અનુસાર નર્મદાના ટીમરૂપાન સારી ગુણવત્તાવાળા અને મોટાં પાન હોવાથી નર્મદાના ટીમરુ પાનની ભારે માંગ રહે છે. આજે પણ ટીમરુનાં પાનમાથી ધમધમતો બીડી ઉધ્યોગ કરોડોનુ ટર્ન ઓવર કરી રહ્યો છે.
દીપક જગતાપ, રાજપીપલા