સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓને આકર્ષણ છે પણ તેના અન્ય સહ પ્રોજેક્ટ નર્મદા ઘાટની મહાઆરતી સાથે ગોરા શૂલપાણેશ્વર મહાદેવની પૂજા, ઉપરાંત મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાનું આકર્ષણ પણ પ્રવાસીઓમાં રહ્યું છે. આ આકર્ષણ માત્ર પ્રવાસીઓને જ નહીં પણ રાજ્ય કે કેબિનેટ કક્ષાના મંત્રીઓને પણ રહ્યું છે. તાજેતરમાં સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી તેની સાથે આ તમામ સહ પ્રોજેક્ટની પણ મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી.
સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષીએ સાંજે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી શિશ નમાવી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું.
મંત્રીની મુલાકાત દરમ્યાન નાયબ કલેકટર શિવમ બારીયાએ તેઓનું નર્મદા ઘાટ ખાતે સ્વાગત કર્યું હતું અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે નર્મદા ઘાટ, મહાઆરતી અને કોરિડોર વિશે જાણકારી પુરી પાડી હતી.
આ વેળાએતેમની સાથે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા મહામંત્રી નીલભાઈ રાવ, વિક્રમભાઈ તડવી, ઉપરાંત ગૌરાંગભાઈ બારીયા, સહ પ્રાદેશિક વાહન વ્યવહાર અને લાયઝન અધિકારી વી. ડી. આસલ વગેરે પણ આ મુલાકાતમા જોડાયા હતા.
દીપક જગતાપ, રાજપીપલા