નર્મદા જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે પણ બાળલગ્નો થતાં હોય છે ત્યારે તેને અટકાવવા અને તે અંગેના જાગૃતિના કાર્યક્રમો કરવાનું કામ આમ તો બાળ સુરક્ષા વિભાગનું છે પણ આ વિભાગ મોટે ભાગે ખાસ સક્રિય રહ્યો નથી ત્યારે નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ લગ્નો અટકાવવા જાગૃતિ અભિયાન નવા વરાયેલા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે અને તેમની ટીમે આદર્યું છે. ત્યારે બાળ સુરક્ષા વિભાગ ઊંઘતું ઝડપાયું છે.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની અધ્યક્ષતામાં નિર્ભયા સ્કવોર્ડના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે.પાઠક નેતૃત્વમાં નર્મદા જિલ્લામા નિર્ભયા સ્કવોર્ડ દ્વારા હવે બાળ લગ્ન રોકવા બીડું ઉઠાવ્યું છે. રાજપીપળાના નિર્ભયા સ્કવોર્ડની બહેનો રેખાબેન તથા કિંજલબેન નાંદોદ તાલુકાના ગામોમાં બાળલગ્ન રોકવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.
જેના સંદર્ભમાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી તેમજ પીએસઆઇ કે.કે.પાઠક અને નિર્ભયા સ્કવોર્ડની બહેનો ગામમાં પહોંચી ગામના લોકોને બાળલગ્ન રોકવા અને બાળ લગ્ન થતા નુકશાનોની જાણકારી આપી હતી તથા બાળ લગ્ન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ઝુંબેશમાં લોકોનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો. ટૂંક સમયમાં હવે નિર્ભયા ટીમ નર્મદા જિલ્લાના દરેક ગામમાં જઈ બાળ લગ્ન રોકવા લોકોને સમજ પાડશે અને જો કોઈ બાળલગ્ન કરશે તો એની વિરૂધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારથી નર્મદા જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેંએ જિલ્લામાં એસ.પીના આ સ્તુત્ય પ્રયાસને લોકોએ અવકાર્યા છે. જીતગઢ ગામ બાદ આ ટીમ સુંદરપુરા ગામે પહોંચી હતી અને ત્યાં બાળલગ્ન રોકવા માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગામના સરપંચ દ્વારા લોકોને ભેગા કરી બાળલગ્ન ન કરવા લોકોને સમજ આપી હતી તથા તમામ લોકોને બાળલગ્ન ન થવા દેવા શપથ લેવડાવ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા