હાલમાં ઉનાળો ચાલુ છે અને બધા સ્થળોએ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના પગલે ઠંડાપીણાની દુકાનો પરથી ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડાપીણા, ઠંડુ પાણી લઇને પોતાની તરસ છીપાવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ નજીક કેટલાંક સ્થાનિક રહીશોએ મુખ્ય માર્ગની બાજુમાં કેટલાક સ્થળોએ માટલાઓ મુકી પાણીની પરબ બનાવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશભરમાંથી પ્રવાસીઓ આવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોઇ આફરીન પોકારી ઉઠતા હોય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, આકાશમાંથી આગ વરસતા ગરમીના કારણે લોકો શેકાઇ રહ્યા છે.આકરી ગરમીના પગલે ઠંડાપીણાઓની માંગમાં ભારે વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા આવતા પ્રવાસીઓ ઠંડુ પાણી પીને પોતાની તરસ છીપાવે તે હેતુથી મુખ્ય માર્ગ નજીક સ્થાનિકોએ કેટલાક સ્થળોએ માટલાઓ મુકી પાણીની વિનામૂલ્યે વ્યવસ્થા કરી દેશી પરબો ચાલુ કરેલ છે. માટીનુ માટલુ વૃક્ષોના લાકડાના ટેકા પર મુકી દેશી પધ્ધતિથી પાણીની પરબોની ગોઠવણ કરવામાં આવી છે. આ અંગે એક સ્થાનિક રહીશે જણાવ્યું હતુ કે માટીનુ માટલુ વૃક્ષોના લાકડાના ટેકા પર મુકવાથી ચારે તરફથી હવા મળતા માટલાનું પાણી ઠંડુ થાય છે. રેફ્રિજરેટર જેટલુ ઠંડુ પાણી માટલા દ્વારા મળતા કુદરતી ઠંડુ પાણી તરસ છીપાવવામાં મદદરૂપ બને છે. માટલાની પરબ મુકીને વટેમાર્ગુઓની તરસ છીપાવવાની સેવા પ્રવૃત્તિ વર્ષો પહેલા આપણે ત્યાં પ્રચલિત હતી. તેમજ હાલના કોમ્પ્યુટર યુગમાં આવી દેશી પરબ જોવા મળે ત્યારે સ્વાભાવિકજ આપણી પ્રાચિન સંસ્કૃતિની યાદ આવી જતી હોય છે. આવી તો ઘણીબધી પ્રાચિન સંસ્કૃતિઓ હજી વત્તે ઓછે અંશે જળવાયેલી દેખાતી હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ