નર્મદા જિલ્લામા મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડાએ ખેડૂત માટે માર્ગદર્શન આપ્યું છે.
કેવીકે ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કે આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકાં જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળુ બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. પાન ઉપર નાના પીળા ટપકાં પડે છે. અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા ફૂલ બેસે છે અને શિંગો તથા દાણાનું કદ નાનાં અને પીળા થાય છે. આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશ કરવો, એસીટામીપ઼ાઈડ ૩ ગ઼ામ અથવા થાઈમીથોકઝામ ૩ ગ઼ામ પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળશે એમ જણાવ્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા