ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવાઅને નાની વયના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા તેમનું સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. આ સમારંભમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સિદ્ધેસ્વરદાસ, વિરંચીપ્રસાદ શાસ્ત્રી, સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી રાજેન્દ્ર પટેલ, રાજપીપળા નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કુલદીપસિંહ ગોહિલે પોતાના શાસનકાળમાં ગેસલાઈન, ભૂગર્ભ ગટર યોજનાની શહેરીજનોને ભેટ આપી હતી. રાજપીપળાના નગરજનોને ભૂગર્ભ ગટરના કનેક્શનનો 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકારને દરખાસ્ત કરી ફંડ મેળવી કનેક્શન ફ્રી માં આપવાની યોજના બનાવી છે. આ સાથે રેન બસેરા પ્રોજેક્ટ, ટેનિસ કોર્ટ, આંતરિક રોડ રસ્તા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મલ્ટી પર્પઝ હોલ, કરજણ રિવરફ્રન્ટ, કરજણ ઓવારો, કાર કમાઈકલ બ્રીજનું રીનોવેશન સહીત અનેક કામો પોતે હાથ ધરી સરકારમાં પ્રપોઝલ મૂકી કામો મંજુર કરાવ્યા હોઈ નગરના વિકાસમા એક વર્ષના ટૂંકા ગાળામા સારી કામગીરી કરી હોઈ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપળા