નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ હવે સ્ટ્રોબેરી ફળનું વાવેતર કરતા થયા છે. હાલ ઉનાળાની સિઝનમાં સ્ટ્રોબેરી ફળનું આગમન થઈ ગયું છે. આમ તો સ્ટ્રોબેરીનું વાવેતર ખાસ નર્મદા જિલ્લામાં થતું નથી પણ દેડિયાપાડા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાના વૈજ્ઞાનિકો દ્વારા પોતાના સેન્ટરમાં પહેલી વખત સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે અને અહીંના આ વિસ્તારના ખેડૂતોને સ્ટ્રોબેરીનું વાવેતર કરવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રરહ્યું છે તેનો લાભ નર્મદાના આદિવાસી ખેડૂતો લઇ રહ્યા છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડો. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કે અહીંથી તાલીમ માર્ગદર્શન લઈને ગયેલા નર્મદાના આદિવાસી ખેડૂતોએ પોતાના ગામમા ખેતર, વાડામા સ્ટ્રોબેરીનું વાવેતર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં નર્મદાના ખેડૂતો હવે ઉત્પાદન કરતા થઇ જાય તો નવાઇ નહીં તેનો શ્રેય ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાને આપી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છેકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નવીન પાકો અંગે સંશોધન કરવામાં આવે છે તેમાં સ્ટ્રોબેરી પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવવાનો સફળ પ્રયોગ કર્યો હતો જેનાથી અન્ય ખેડૂતો પણ સ્ટ્રોબેરી પાકનું વાવેતર કરવા પ્રેરાયા છે. ડો. વર્માના જણાવ્યા અનુસાર હવેથી નર્મદાના આદિવાસીઓને પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનો સ્વાદ માણવા મળશે.
દીપક જગતાપ રાજપીપળા