દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી વર્ષ – ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતના કરાયેલા આહવાનને અનુલક્ષીને ગુજરાત સરકાર તરફથી પણ વર્ષ-૨૦૨૨ માં ટીબી મુક્ત ગુજરાત માટે આહવાન કરાયું છે, ત્યારે નર્મદા જિલ્લમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રિય નીતિ આયોગના ટીબી રોગના દર્દીઓને ઝડપથી શોધીને તેના નિદાન સાથે સમયસર પૂરતી સારવાર મળી રહે તે માટે નિયત કરાયેલા ઇન્ડીકેટર્સની લક્ષ્યાંક સિધ્ધિ માટે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રસાશનના અથાક પ્રયાસોના ફળસ્વરૂપે સરકાર દ્વારા અંદાજે રૂા.૭૫ લાખના ખર્ચે નર્મદા જિલ્લામાં ટેસ્ટીંગ કિટ્સ સહિત ૪ જેટલા ટ્રુનાટ મીશનની ખરીદી માટે મંજૂરી મળેલ છે. આમ, આ મંજૂરીને લીધે હવે નર્મદા જિલ્લાના આદિવાસી, અંતરિયાળ અને છેવાડાના માનવીની ટી.બી. રોગની તપાસ, નિદાન અને સારવાર ખુબ જ ઝડપી બનશે અને આ વિસ્તારની પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ મોટી રાહત સાથે આશિર્વાદરૂપ બની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે ગળફાની તપાસ કરી ખૂબ જ ઓછો ચેપ ધરાવતા દર્દીને ઓળખવા માટે આધુનિક ટેકનોલોજીમાં ટ્રુનાટ મશીન દ્વારા વધુમાં વધુ (Sputum sample) ટેસ્ટીંગ માટે હાલમાં માત્ર એક જ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શાહ દ્વારા ટેસ્ટીંગ કિટ્સ સહિત વધુ ૪ ટ્રુનાટ મશીનની ખરીદી માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જેના પરિણામે GEM પોર્ટલમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હવે ટૂંક સમયમાં જ ફક્ત વર્ક ઓર્ડર આપવામાં આવ્યેથી નર્મદા જિલ્લાને નવા ૪ ટ્રુનાટ મશીન ઉપલબ્ધ થશે અને તેના થકી જિલ્લામાં ટી.બી. રોગના દર્દીઓનું ઝડપથી નિદાન અને જરૂરી સારવાર કરી શકાશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા