રાજપીપલા ખાતે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો હતો. કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. જેમાં જિલ્લાના ૫૩૧ જેટલા લાભાર્થીઓને અંદાજે કુલ રૂા. ૩.૨૮ કરોડથી વધુના વિવિધ સાધન સહાય સામગ્રીના ચેક એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના” સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ જનકલ્યાણલક્ષી નિર્ણયો લઈને વિકાસ સાધવાની સાથે રાજ્ય સરકારે તા.૨૪,૨૫ અને તા.૨૬ એમ ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળા થકી જરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ વિભાગોની યોજનાઓના લાભો આપીને લાભાન્વિત કરવાની સાથે રોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો હાથ ધર્યાં છે. સરકારે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ લોકોને સમયસર આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ આપવાની સાથે નિરામય ભારત નિરામય ગુજરાત અભિયાન દ્વારા અનેક લાભો આપવા ઉપરાંત જરૂરીયાતાતમંદ લાભાર્થીઓને પોતાનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ પુરા પાડીને સરકારે તેમના સ્વપ્નને સાકાર કર્યા છે.
ટ્રાયબલ વિસ્તારોના ૨૯૫ જેટલા ગામોમાં લોકોને આવન-જાવન માટે સરળતા રહે તેમજ વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકે તેવા ઉમદા હેતુસર રોડ કનેક્ટીવીટી પુરી પાડવા કોઝવેની ઉપર સ્ટ્રકચર બનાવવા ઉપરાંત નવા રસ્તાઓ બનાવવા રૂ.૧૬ હજાર કરોડના ખર્ચે અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.આ પ્રસંગે લાભાર્થીઓએ તેમની સાફલ્ય ગાથાના પ્રતિભાવો રજૂ કર્યાં હતાં
મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “નોંધારાનો આધાર” બનેલી ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ યોજના, ખેતીવાડી વિભાગની એજીઆર-૫૦ યોજના અને સૂર્ય પ્રકાશ યોજના, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણની માનવ ગરિમા યોજના, આદિજાતિ વિકાસ વિભાગની માનવ ગરિમા યોજના અને સરસ્વતી સાધના, આરોગ્ય વિભાગની પી.એમ.જે.એ.વાય. યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિની સરસ્વતી સાધના સહિત વિવિધ યોજનાના જિલ્લાના ૫૩૧ જેટલા લાભાર્થીઓને અંદાજે કુલ રૂા. ૩.૨૮ કરોડથી વધુના વિવિધ સાધન સામગ્રીના એસેટ/ચેક એનાયત કરાંયા હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઈએ નિહાળ્યું ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાના ફિલ્મની સાથે વિવિધ વિભાગોની સાફલ્યગાથાની ફિલ્મ પણ નિહાળી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા